Site icon Revoi.in

અમદાવાદના ચાંદખેડામાં કાર- રિક્ષા વચ્ચેના અકસ્માતમાં કિશોરનું મોત

Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના ચાંદખેડા વિસ્તારમાં બન્યો હતો. ચાંદખેડામાં પોલીસના નેમ પ્લેટ વાળી ખાનગી કારે લોડીંગ રિક્ષાને ટક્કર મારી હતી.જેના કારણે લોડીંગ રિક્ષા પલટી ખાતા 11 વર્ષના કિશોરનું મોત નિપજ્યુ હતુ. આ અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કારચાલક આરોપીની ધરપકડ કરી છે.પોલીસનું કહેવું છે કે આરોપી પોલીસમાં નથી તે ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના ચાંદખેડા IOC રોડ ઉપર સ્નેહા પ્લાઝાની સામે ગંગારામ ગુર્જર તેમના 11 વર્ષના કિશોર શંકરને લોડીંગ ટેમ્પામાં બેસાડીને જઈ રહ્યા હતા.તે દરમિયાન પૂર ઝડપે આવેલી  ટીયાગો કારે લોડિંગ રિક્ષાને ટક્કર મારતા લોડીંગ રિક્ષા પલટી ખાઈ ગઈ હતી,જેના કારણે રિક્ષામાં સવાર પિતા પુત્ર નીચે પડ્યા હતા.લોડીંગ રિક્ષામાં બેઠેલા 11 વર્ષના કિશોરને ગળાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.  અને કિશોરનું ઘટના સ્થળે જ  મોત થયું હતું. જ્યારે કિશોરના પિતા ગંગારામ ગુર્જરને ઇજા પહોંચી હતી .બનાવ બનતા આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા.આ બનાવમાં પોલીસની નેમ પ્લેટ લખેલી કાર ચલાવનાર વ્યક્તિ તરુણ પરમાર હોવાનું જાણવા મળ્યુ હતું. આરોપી તરુણ પરમાર અમદાવાદના મણીનગરમાં રહે છે અને મારુતિ કુરિયર કંપનીમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.જોકે કારની આગળ જે પોલીસ લખેલી નેમ પ્લેટ પડી હતી તે બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે એલ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ પંચાલે જણાવ્યું હતું કે અકસ્માત અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.આરોપીએ કારમાં પોલીસની નેમ પ્લેટ કેમ લગાવી તે મામલે તપાસ કરવામાં આવી રહી છે.

Exit mobile version