- પૂર ઝડપે થારના ચાલકે રાહદારી મહિલાઓ અને સ્કૂટરસવાર યુવતીને અડફેટે લીધા હતા
- અકસ્માત બાદ થારનો ચાલક ફરાર થઈ ગયો હતો
- પોલીસે થારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
ભાવનગરઃ શહેરના કાળીયાબીડ વિસ્તારમાં મોડીરાતે પૂરઝડપે થારકારના ચાલકે રાહદારી મહિલાઓ અને બાઈકસવાર યુવતીને અડફેટે લીધી હતી. કારચાલકે બન્નેને ટક્કર મારી 70 ફૂટથી વધુ દુર પટકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં રાહદારી મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે સ્કૂટરસવાર યુવતીને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.
શહેરના કાળિયાબીડ વિસ્તારમાં પાણીની ટાંકી અક્ષરવાડી વાળા રોડ પર દેરાણી-જેઠાણી વોકિંગ માટે નીકળ્યા હતાં. આ દરમિયાન પૂર ઝડપે આવેલા એક થાર કારના ચાલકે મહિલા તથા અન્ય એક સ્કૂટરસવાર યુવતીને અડફેટે લીધા હતાં. કારચાલકે બન્નેને ટક્કર મારી 70 ફૂટથી વધુ દુર પટકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યાં છે.
આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ, શહેરના કાળિયાબીડમાં આવેલા સાગવાડી સ્થિત રામેશ્વર મહાદેવના મંદિરમાં રહેતા અને સેવા પૂજા કરતા સાધુ ધર્મેશ્વરી ભીમપુરી ગોસ્વામીના પત્ની સોનલબેન તથા સોનલબેનની જેઠાણી મીનાબેન અશ્વિનભાઈ ગૌસ્વામી રાત્રિના સમયે તેના ઘરેથી વોકિંગ માટે નીકળ્યા હતા. આ દેરાણી જેઠાણી પાણીની ટાંકીથી અક્ષરવાડી વાળા રોડ પર વોકિંગ કરતા જઈ રહ્યા હતા, ત્યારે દેરાણી-જેઠાણી પાછળ આવી રહેલી થાર કાર (નંબર GJ 14 BJ 0058)ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બે ફિકરાય પૂર્વક ચલાવી રાહદારી મહિલા સોનલબેનને અડફેટે લઈ આગળ સ્કૂટર પર જઈ રહેલી ઉમેદાની બિલાલ શેખ નામની યુવતીને પણ અડફેટે લઈ થારચાલક ફરાર થઈ ગયો હતો.
આ અકસ્માતમાં સ્કૂટર સવાર યુવતી તથા સોનલબેનને નાની-મોટી ઈજાઓ સાથે સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સોનલબેન ધર્મેશ પરી ગોસ્વામી (ઉં.વ.38)નું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે યુવતીને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી. આ બનાવને લઈને અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કારચાલક વિરુદ્ધ જેઠાણી મીનાબેન અશ્વિનભાઈ ગોસ્વામી (રહે. પ્લોટ નંબર 1700/એ કાળીયાબીડ સાગવાડી વાળા)એ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

