અંબાજી,8 જાન્યુઆરી 2026: સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન ત્રિ- દિવસીય ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026’ યોજાશે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ યોજાશે.આ મહોત્સવના સુચારુ આયોજન માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને તાજેતરમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અંબાજી ગબ્બર પરિક્રમા પથ ખાતે 51 શક્તિપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે. દર વર્ષે મહા સુદ બારસ, તેરસ અને ચૌદસના દિવસે આ પરિક્રમા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માઈ ભક્તોને આગામી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બેઠકમાં કલેક્ટરે વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સૂચનો કર્યા હતા. જેમાં બસનું સંચાલન, સ્વચ્છતા, પાણી, પાર્કિંગની વ્યવસ્થા, પ્રચાર-પ્રસાર અને શ્રદ્ધાળુઓ માટે નિશુલ્ક ભોજન વ્યવસ્થા જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ પણ બનાવવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર સી.પી.પટેલ, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી તેમજ સર્વે પ્રાંત અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (File photo)

