Site icon Revoi.in

ચાણોદમાં ટ્રેનની અડફેટે ત્રણ વર્ષની દીપડીનું મોત નિપજ્યું

Social Share

વડોદરાઃ ગુજરાતમાં ટ્રેનોની અડફેટે વન્ય પ્રાણીઓના મોતના બનાવો વધી રહ્યા છે. જેમાં ચાણોદના રેલવે ફાટક નજીક ટ્રેનની અડફેટે એક દીપડીનું મોત નીપજ્યું હતું. વન વિભાગે મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ થઇ ગયા બાદ નિયમ મુજબ દીપડીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ બનાવમાં વન વિભાગે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે,  ડભોઇ તાલુકાના ચાણોદ નજીક ઓરસંગ ગામડી અને ભાલોદ્રા ગામડી વચ્ચે રેલવે બ્રિજ આવેલો છે. શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આવી રહેલી દીપડી રેલવે ટ્રેક પરથી પસાર થતી હતી ત્યારે ટ્રેનની અડફેટે આવી જતાં મોતને ભેટી હતી. સવારે આ ઘટના અંગે સ્થાનિક લોકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં તુરંત જ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃત દીપડીનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. દીપડીનું મોત થતા વન વિભાગ દ્વારા દીપડીના મૃતદેહને પી.એમ માટે ડભોઇ પશુ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે ડભોઇના આર.એફ.ઓ. કલ્યાણી ચૌધરીએ જણાવ્યું હતું કે, સવારે અમને ઘટનાની જાણ થતાં અમારી ટીમ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને મૃતદેહને ડભોઇ પશુ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. મૃતક દીપડી હતી અને તેની ઉંમર સાડા ત્રણ વર્ષની હતી. હોસ્પિટલ ખાતે લાવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.જે બાદ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

 

Exit mobile version