Site icon Revoi.in

નડિયાદના શાંતિ ફળિયા સહિત બે કિમીનો વિસ્તાર કોલેરોગ્રસ્ત જાહેર કરાયો

Social Share

નડિયાદઃ  ખેડાના નડિયાદ શહેરના શાંતિ ફળિયા વિસ્તારમાં ઝાડા-ઊલટીના વધુ કેસ નોંધાતા બે કિલો મીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. શહેરના શાંતિ ફળિયામાં ઝાડા-ઊલટીના કેસ વધ્યા હતા. જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. શાંતિ ફળિયા, અમદાવાદી દરવાજા સહિત કેટલાક વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. તંત્રએ પાણીપુરી, બરફ ગોળા સહિતની લારીઓ બંધ કરાવી હતી. તેમજ પાણીના નમુના લઈને તપાસ કરવામાં આવી રહી છે.

નડિયાદ શહેરના અમદાવાદી દરવાજા તેમજ શાંતિ ફળિયા વિસ્તાર ઉપરાંત આસપાસના બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. શહેરના શાંતિ ફળિયામાં 1 કોલેરાનો કેસ મળ્યો છે. આ વિસ્તારમાં હજુ 20 જેટલા ઝાડા ઉલ્ટીના કેસ સામે આવ્યા છે. મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલા લેવાયા છે અને પાણીપુરી, બરફની લારી સહિત અન્ય હાટડીઓ બંધ કરાવી હતી. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે જાહેરનામુ બહાર પાડ્યું છે.  બીજી બાજુ સિવિલ હોસ્પિટલમાં 12 બાળક સહિત 22 મહિલાને દાખલ કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર હેઠળ છે. પીવાના પાણીની પાઈપલાઈન દૂષિત પાણી ભળી જતા કોલેરા ફેલાયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. મ્યુનિએ પાઈપલાઈનમાં લીકેજ શોધી રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે.

શહેરની સિવિલ હોસ્પિટલમાં 12 બાળક સહિત 22 મહિલા સારવાર હેઠળ દાખલ કરાયા છે. ત્યારથી મ્યુનિનું આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. કલેક્ટરના જાહેરનામા બાદ સિવિલમાં અલગથી આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયો છે. અહીંના લોકોને ગરમીમાં બહારનું ખાવાનું ટાળવાની અને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવાની નિષ્ણાંતો દ્વારા સલાહ આપવામાં આવી છે.