Site icon Revoi.in

અમદાવાદમાં કાળુપુરમાં રાજા પરશોત્તમની ખડકી પાસે બે માળનું મકાન ધરાશાયી

Social Share

અમદાવાદઃ  શહેરમાં છેલ્લા બે દિવસથી સમયાંતરે વરસાદના ઝાપટાં પડી રહ્યા છે. ગત રાતે સારો એવો વરસાદ પડ્યો હતો. વરસાદને લીધે શહેરમાં બહેરામપુરા વિસ્તારમાં મકાન તૂટી પડ્યુ હતું. જ્યારે આજે 8 સપ્ટેમ્બરના રોજ સવારે શહેરના કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે રાજા પરષોત્તમની ખડકી નજીક બે માળનું મકાન ધરાશાયી થયું હતું. મકાન પડવાની ઘટના બનતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટના અંગેની જાણ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

આ બનાવની વિગત એવી છે કે,  શહેરના કાલુપુર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે એક મકાન ખૂબ જ જર્જરિત હાલતમાં હતું. મોડી રાત્રે શહેરમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે મકાન પડી જાય તેવી સ્થિતિમાં જ હતું. જેથી લોકો આ મકાનથી દૂર હતા. દરમિયાનમાં સવારે 9:30 વાગ્યાની આસપાસ મકાન અચાનક જ ધસી પડ્યું હતું. જેથી તાત્કાલિક સ્થાનિકો લોકોએ મ્યુનિ. કોર્પોરેશનને જાણ કરી હતી. એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ત્યાંથી કાટમાળ દૂર કરવાની અને આજુબાજુ બેરીકેટિંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નથી.

આ ઉપરાંત શહેરના બહેરામપુરા વિસ્તારમાં ગૌતમ નગર ચાર રસ્તા પાસે મકાન ધરાશાયી થવાની ઘટનામાં બે યુવકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં 25 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. મકાન પડતા બંને યુવકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. જેથી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેઓને નીચેથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. જોકે, શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે એક યુવકનું મોત થયું છે. પોલીસે હાલ આ મામલે તપાસ શરૂ કરી છે.

Exit mobile version