Homeગુજરાતીખોરાકસ્વાદ અને સ્વાસ્થ્યનો બેજોડ સંગમ: સ્ટ્રોબેરીમાંથી બનાવો આ 4 હેલ્ધી અને ટેસ્ટી...

સ્વાદ અને સ્વાસ્થ્યનો બેજોડ સંગમ: સ્ટ્રોબેરીમાંથી બનાવો આ 4 હેલ્ધી અને ટેસ્ટી ડેઝર્ટ્સ

ગળપણ ખાવાનો શોખ લગભગ દરેકને હોય છે, ખાસ કરીને જમ્યા પછી કે સાંજના સમયે કંઈક મીઠું ખાવાની ક્રેવિંગ થતી હોય છે. જો તમે સ્વાદની સાથેસાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવા માંગતા હો, તો સ્ટ્રોબેરીમાંથી બનેલા હેલ્ધી ડેઝર્ટ્સ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે. સ્ટ્રોબેરીનો ખાટો-મીઠો સ્વાદ કોઈપણ ડેઝર્ટને એક તાજગીસભર ફ્લેવર આપે છે. તેમાં વિટામિન સી, ફોલેટ, પોટેશિયમ અને ફાઈબર જેવા વિપુલ પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે. ઉપરાંત, સ્ટ્રોબેરીમાં પાણીની માત્રા સારી હોવાથી તેનાથી બનતા ડેઝર્ટ્સ હળવા અને સ્વાદિષ્ટ બને છે. દહીં, ઓટ્સ, નટ્સ અને અન્ય હેલ્ધી ચીજો સાથે સ્ટ્રોબેરીને મિક્સ કરીને ઘરે જ સ્વાદિષ્ટ ડેઝર્ટ તૈયાર કરી શકાય છે. ઘરમાં બનાવવાથી ખાંડ અને અન્ય સામગ્રીનું પ્રમાણ પણ આપણે પોતાના હિસાબે નિયંત્રિત કરી શકીએ છીએ. ચાલો જાણીએ સ્ટ્રોબેરીમાંથી બનતી 4 હેલ્ધી રેસિપી વિશે:

  • સ્ટ્રોબેરી ઓટ્સ પુડિંગ

એક બાઉલમાં 4 ચમચી ઓટ્સ, અડધો કપ દૂધ અને 1 ચમચી ચિયા સીડ્સ મિક્સ કરો. તેને રાત્રે આખી રાત ફ્રિજમાં રાખો. સવારે તેમાં સમારેલી સ્ટ્રોબેરી અને થોડા ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. ઓટ્સ અને ચિયા સીડ્સમાંથી ફાઈબર મળે છે, જ્યારે સ્ટ્રોબેરી વિટામિન સી પૂરું પાડે છે. આ નાસ્તો પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે.

  • સ્ટ્રોબેરી-બનાના ફ્રોઝન બાર

સ્ટ્રોબેરી અને કેળાને બ્લેન્ડ કરીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. તેમાં થોડું દહીં મિક્સ કરીને તેને બટર પેપર લગાવેલી પ્લેટમાં ફેલાવી દો. ઉપરથી બદામના ટુકડા અને સ્ટ્રોબેરી મૂકીને 3 થી 4 કલાક માટે ફ્રીઝરમાં રાખો. જમી ગયા પછી તેના નાના ટુકડા કરીને સર્વ કરો. સ્ટ્રોબેરીમાંથી વિટામિન સી અને ફાઈબર, જ્યારે કેળામાંથી પોટેશિયમ અને કાર્બોહાઇડ્રેટ્સ મળે છે.

  • ફ્રોઝન સ્ટ્રોબેરી બાઈટ્સ

સ્ટ્રોબેરીને ધોઈને સારી રીતે સૂકવી લો અને નાના ટુકડાઓમાં કાપી લો. તેને પીગળેલી ડાર્ક ચોકલેટમાં ડૂબાડીને બટર પેપર પર રાખો. આ લગભગ 1-2 કલાક ફ્રીઝરમાં જમાવો અને પછી સર્વ કરો. સ્ટ્રોબેરી ફાઈબર આપે છે, જ્યારે ડાર્ક ચોકલેટ સ્વાદની સાથે એન્ટિઓક્સિડન્ટ્સ પણ પૂરા પાડે છે.

  • સ્ટ્રોબેરી-બનાના સ્મૂધી બાઉલ

બ્લેન્ડરમાં 1 કેળું, 5 થી 6 સ્ટ્રોબેરી અને થોડું દહીં ઉમેરીને ઘટ્ટ સ્મૂધી તૈયાર કરો. તેને બાઉલમાં કાઢીને ઉપરથી સ્ટ્રોબેરી, ચિયા સીડ્સ અને થોડા નટ્સ ઉમેરો. કેળામાંથી કાર્બોહાઇડ્રેટ અને સ્ટ્રોબેરીમાંથી વિટામિન સી મળે છે. આ સવારના કે સાંજની ભૂખ માટે એક ઉત્તમ હળવો ડેઝર્ટ છે.

  • સ્ટ્રોબેરી ડેઝર્ટ બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન:

ડેઝર્ટ બનાવવા માટે હંમેશાં તાજી, ચમકતી, લાલ અને ડાઘ કે ફંગસ વગરની સારી ક્વોલિટીની સ્ટ્રોબેરી પસંદ કરો.
સ્ટ્રોબેરીનો ઉપયોગ કરતા પહેલા તેને વહેતા પાણીમાં બરાબર ધોઈ લો અને પછી સાફ કપડાથી સૂકવી લો.
સ્ટ્રોબેરીને લાંબા સમય સુધી પાણીમાં પલાળીને ન રાખો. તેને ફ્રિજમાં સ્ટોર કરો અને ઉપયોગ કરતા પહેલા જ ધોવો.
ડેઝર્ટમાં ખાંડ, ક્રીમ અને ચોકલેટનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં જ કરો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular