- જિલ્લાનાઝરવાણી અને નિનાઈના ધોધથી કુદરતી સૌંદર્ય ખીલી ઊઠ્યું,
- લીલાછમ જંગલો, ઊંચા ડુંગરો, ખળખળ વહેતા ઝરણાંને નિહાળવા પ્રવાસીઓ ઉમટી પડ્યા,
- સુંદર પિકનિક પોઇન્ટ તરીકે વિકાસ કરવાની માગ
રાજપીપળાઃ ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે નર્મદા જિલ્લો નંદનવન સમો બની ગયો છે. નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવે છે, તે ચોમાસામાં પોતાના અદ્ભુત કુદરતી સૌંદર્યથી છલકાઈ ઉઠે છે. લીલાછમ જંગલો, ઊંચા ડુંગરો, ખળખળ વહેતા ઝરણાં અને નાના-મોટા ધોધ આ મોસમમાં પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે નાંદોદ તાલુકાના જૂનાઘાટા ગામ પાસે આવેલો ટકારાનો ધોધ જોવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.
નર્મદા જિલ્લામાં આવેલા ઝરવાણી અને નિનાઈ ધોધ પોતાની સુંદરતા માટે ખૂબ પ્રખ્યાત છે. જોકે, નાંદોદ તાલુકાના જૂનાઘાટા ગામ પાસે આવેલો ટકારાનો ધોધ પણ કોઈથી કમ નથી. ચોમાસામાં આ ધોધ તેની પૂરી ભવ્યતામાં ખીલી ઉઠે છે, અને તેનો નયનરમ્ય નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. નર્મદાનો ઝરવાણી અને નિનાઈ ધોધ તો ખુબજ પ્રખ્યાત છે. પરંતુ અદભૂત સૌંદર્ય ધરાવતા અન્ય ધોધ પણ નર્મદામાં આવેલા છે, પરંતુ તે પ્રચલિત થયા નથી. ત્યારે જિલ્લાના આવા જ એક ધોધ પૈકીનો એક નયમરમ્ય ધોધ છે તે ‘ટકારાનો ધોધ’ છે. લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડાના સમયનો છે અને રજવાડા સમયે આ ધોધ ખુબ જ ઊંચાઈ પરથી પડતો હતો. જેને કારણે ખુબ મોટો અવાજ પણ આવતો હતો, અને આ ધોધને રાજાએ પથ્થરોને ટાંકીને બનાવડાવ્યો હતો, તેથી ટકારાના ધોધ તરીકે ઓળખાય છે. આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ હાલ ચોમાસામાં સોળે કળાએ પુરબહારમાં ખીલી ઉઠ્યો છે. આ કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
રાજપીપળા નજીક આવેલા આમલેથાથી ત્રણ કિલોમીટર દૂર ખોજલવાસલા પાસે ઢોચકીના વળાંક તરફ જતા આ ટકારાના ધોધનું કુદરતી નયન રમ્ય દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ખૂબ શાંત,સ્વચ્છ, સુંદર અને પ્રાકૃતિક જગ્યા છે. પ્રદુષણ મુક્ત આ જગ્યાએ અત્યારે ટકારાનો ધોધ ખળખળ વહી રહ્યો છે. જેને માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. લોકો સેલ્ફીની પણ મઝા માણી રહ્યા છે. જોકે આ સુંદર પિકનિક પોઇન્ટને પ્રવાસન વિભાગ કે વન વિભાગ દ્વારા વિકસાવવાની જરૂર છે. હજી સુધી પ્રવાસન વિભાગ કે તંત્રનું આ તરફ ધ્યાન નથી ગયું પણ તંત્ર આનો વિકાસ કરે એવુ લોકો ઇચ્છી રહ્યા છે.