Site icon Revoi.in

અમદાવાદમાં નવા વાડજમાં AMTS બસ ડેપોની દીવાલ ધસી પડતા યુવાનનું મોત

Social Share

અમદાવાદઃ શહેરના નવા વાડજ વિસ્તારમાં આવેલા એએમટીએસના બસ ડેપોની દીવાલ ધરાશાયી થતાં દીવાલ નજીક બેઠેલો એક યુવાન કાટમાળમાં દટાયો હતો. આ બનાવથી આજુબાજુના રહેતા સ્થાનિક રહિશો દોડી આવ્યા હતા. અને યુવાનને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. આ ઘટના આજે વહેલી સવારે બની હતી. એટલે દીવાલ પાસે લોકોની અવર-જવર ઓછી હતી. જો બપોરે આ ઘટના બની હોત તો અનેક લોકોની જાનહાની થાત, સ્થાનિક લોકોએ એએમટીએસ ડેપોની દીવાલ જર્જરિત હોવાની તંત્રને તેમજ ભાજપના કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલા લેવાયા નહોતા. આ ઘટના બાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બનાવની વિગત એવી છે કે,  અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના AMTS બસ ડેપોની દીવાલ આજે 16 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે ધરાશાયી થઈ હતી. દીવાલ ધડાકા સાથે તૂટી પડતા જવાહર નગરના છાપરામાં રહેતા લોકો દોડી આવ્યા હતા. દીવાલ પાસે ત્યાં નજીકમાં જ રહેતો સુરેશ ભરવાડ નામનો (ઉ. વ. 30) નામનો યુવક ત્યાં બેઠો હતો તેની ઉપર જ દીવાલ પડી હતી જેથી દીવાલના કાટમાળમાં દટાઈ ગયો હતો. બૂમાબૂમ થતાની સાથે જ સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને કાટમાળ ખસેડીને બહાર કાઢ્યો હતો. જોકે કાટમાળના નીચે દટાઈ જવાથી તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જો કે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા વાડજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને વધુ તપાસ હાથ ધરી છે. નવા વાડજ એએમટીએસના બસ ડેપો પાસે સામેના ભાગે અનેક લોકો છાપરામાં રહે છે. અને છાપરામાં રહેતા લોકો પણ દીવાલની પાસે જ બહાર બેસતા હતા ત્યારે વહેલી સવારે ખૂબ ઓછા લોકો હોવાના કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ એક યુવકનું મૃત્યુ થયું હતુ.

સ્થાનિક રહિશોના કહેવા મુજબ આજે વહેલી સવારે 6:30 વાગ્યાની આજુબાજુ અચાનક જ દીવાલ ઘસી પડી હતી અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જેમાં એક વ્યક્તિ દટાઈ ગયો હતો જેને બધાએ ભેગા મળી અને મહા મહેનતે બહાર કાઢ્યો હતો. જ્યારે બહાર કાઢ્યો ત્યારે થોડો શ્વાસ ચાલુ હતો અને એમ્બ્યુલન્સ બોલાવી હતી. આ દીવાલ જર્જરિત હોવા અંગેની ફરિયાદ અમે ત્રણથી ચાર વખત કરી હતી.

Exit mobile version