Site icon Revoi.in

અમદાવાદમાં કાંકરિયા ઝૂમાં વાઘના પાંજરામાં યુવક ઘૂસી ગયો

Social Share

અમદાવાદઃ શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આવેલા મુલાકાતીઓમાંથી એક યુવાન 20 ફુટ ઊંચી ફેન્સિંગ કૂદીને વાઘના પાંજરામાં ઝાડ પર ચડી ગયો હતો. વાઘ ખૂલ્લા પાંજરામાં ઝાડની નજીક હતો. એકવાર તો યુવાનનો ઝાડ પરથી પગ લપસતા પડતા પડતા રહી ગયો છે. આ દ્રશ્ય જોઈને અન્ય મુલાકાતીઓએ બુમાબુમ કરી મુકી હતી. દરમિયાન સિક્યુરિટી સ્ટાફ દોડી આવ્યો હતો. અને મહા મહેનતે યુવાનને સમજાવીને બાહ કાઢીને પોલીસને હવાલે કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના કાંકરિયા લેક નજીક આવેલા ઝૂમાં વાઘના પાંજરામાં એક યુવક ઘૂસી જતા ભારે દોડધામ મચી હતી. અંદાજે 20 ફૂટ ઊંચા પાંજરા પર યુવક કોઈ કારણોસર ચડી ગયા બાદ ઝાડ પર ટીંગાઈ ગયો હતો. આ સમયે જ યુવકનો પગ લપસતા પડતા પડતા બચ્યો હતો. તો બીજી તરફ પાંજરાની બહાર ઉભેલા લોકોના જીવ અધ્ધર થયા હતા. લોકોએ તુરંત જ સિક્યુરિટીને જાણ કરતા ઝૂની સિક્યુરિટીનો સ્ટાફ ત્યાં આવી પહોંચ્યો હતો અને મહામહેનતે યુવકને સમજાવી બહાર કાઢ્યો હતો. યુવકને કબજો લઈ મણિનગર પોલીસને હવાલે કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવક તેમની સાથે આવેલી યુવતીને ઈમ્પ્રેસ કરવા આ રીતનું કૃત્ય કર્યું હોવાનુ કહેવાય છે. આ બનાવનો સોશ્યલ મીડિયામાં વિડિયો પણ વાયરલ થયો હતો.

કાંકરિયા ઝૂના સ્તાધિશોના કહેવા મુજબ કાંકરિયા ઝૂમાં વાઘના ઓપન પાંજરામાં અંદાજીત 20 ફૂટ ઊંચી લોખંડની જાળી લાગેલી છે. રવિવારે બપોરના સમયે એક યુવક કોઈ કારણોસર આ રેલિંગ કૂદીને પાંજરામાં આવેલા ઝાડ પર ચડી ગયો હતો. આ સમયે વાઘ પણ ત્યાં નીચે જ હતો. ઝાડ પર ચડ્યા બાદ યુવકનો પગ લપસતા માંડ માંડ બચ્યો હતો. તો બીજી તરફ પાંજરાની બહાર ઉભેલા લોકોએ બુમાબુમ કરી મુકી હતી. પાંજરામાં નીચે વાઘ હતો જ્યારે યુવક ઝાડ પર હતો. આ સમયે જ લોકોએ બૂમાબૂમ કરી મૂકતા સિક્યુરિટી સ્ટાફ દોડી આવ્યો હતો. જો કે, વાઘ ખુલ્લો હોય સિક્યુરિટી માટે પણ અંદર તુરંત પ્રવેશવું મુશ્કેલ જણાતું હતું. જેથી યુવકને સમજાવીને નીચે ઉતાર્યો હતો. યુવક ઝાડ પર ચાલીને રેલીંગ પરથી નીચે ઉતરતા જ સિક્યુરિટીએ ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે પૂછતાછ કરતા યુવકનું નામ અરુણ અને પોતે મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં અમદાવાદના રખિયાલ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે યુવક અરુણની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.