Site icon Revoi.in

અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં ડમ્પરે એક્ટિવા સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટરસવાર યુવતીનું મોત

Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના ખોખરા વિસ્તારમાં ગત રાતે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો, ખોખરા વિસ્તારમાં ગત મોડી રાતે એક્ટિવા પર જઈ રહેલી 22 વર્ષીય યુવતીને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરચાલકે પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતના આ બનાવમાં  એક્ટિવાચાલક યુવતીનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા, અને ડમ્પરચાલકને પકડીને પોલીસને હવાલે કરતા આઈ ડિવિઝન પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોધી ધરપકડ કરી છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના ખોખરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય ખુશ્બુ ગુપ્તા ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરે છે. ખુશ્બુ ગતરાતે પોતાના એક્ટિવા પર અનુપમથી મદ્રાસી મંદિર તરફ જઈ રહી હતી. ત્યારે અયોધ્યા સોસાયટી નજીક પહોંચતા પાછળથી પૂરઝડપે આવતા ડમ્પર (નંબર GJ-27-TT-1555)ના ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, ખુશ્બુ એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી અને તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ગંભીર ઈજાના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ડમ્પરચાલકને સ્થળ પર જ પકડી રાખ્યો હતો. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ડમ્પરચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરોને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં શહેરના વાળીનાથ ચોક નજીક સ્કૂટરસવાર એક દંપતીને ડમ્પરચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મહિલાના માથા પર ડમ્પરનું ટાયર ફરી વળતા તેમનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, ડમ્પરચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો અને હજી પણ પોલીસ પકડથી દૂર છે. ટૂંકા ગાળામાં ડમ્પરના કારણે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા ડમ્પરચાલકોની બેફામ ગતિ સામે સખત કાર્યવાહીની માંગ ઊઠી છે.

Exit mobile version