- જુનાગઢમાં બે દિવસમાં 2 નકલી પોલીસ પકડાયા,
- કારમાં પોલીસનું બોર્ડ લગાવીને ફરતા ગોંડલના યુવાનને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો,
- પોલીસનું બોર્ડ લગાવીને ફરતા ખાનગી વાહનો સામે પોલીસે લાલા આંખ કરી
જુનાગઢ: ગુજરાતમાં ઘણાબધા ખાનગી વાહનચાલકો પોતાના વાહનો પર રાજકીય પક્ષોના સિમ્બોલ અને હોદ્દાઓ લખતા હોય છે. જ્યારે ઘણા વાહનચાલકો વાહનો પર પોલીસ બોર્ડ રાખતા હોય છે. સમાજમાં વટ પાડવા માટે આવી હરકતા કરતા હોય છે. ત્યારે સતત બીજા દિવસે જુનાગઢ શહેરમાંથી પોલીસનો રોફ જમાવતા ઈસમને પોલીસે પકડી પાડ્યો છે. જુનાગઢ શહેરના ચીતાખાના ચોકથી કોર્ટ તરફ જતા વિસ્તારમાં GJ 03 NB 8114 નામની કાર પર પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ ઉભી કરીને રોફ જમાવતા ગોંડલના નસીર ગોરીને પોલીસે પકડીને કાયદાનો પાઠ ભણાવ્યો છે.
જુનાગઢ શહેરમાંથી છેલ્લા બે દિવસમાં પોલીસની ખોટી ઓળખ ઉભી કરીને પોલીસના નામે રોફ જમાવતો બીજો ઈસમ પકડાયો છે. ગોંડલના નસીર ગુલામ ગોરીને શહેરના ચીતાખાના ચોકથી જિલ્લા કોર્ટ તરફ જતા વિસ્તારમાંથી કાર પર પોલીસ લખીને પોલીસનો રોફ જમાવતા પોલીસે કાર સાથે નસીરની અટકાયત કરી છે. છેલ્લા બે દિવસમાં બે વ્યક્તિઓ પોલીસના નામે ખોટો રોફ જમાવીને પોલીસના હાથે પકડાઈ ચૂક્યા છે. પોલીસે હાલ નસીર ગુલામ ગોરી સામે બી.એન.એસ એક્ટ નીચે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ જૂનાગઢમાં ગઈ કાલે પણ બીલખા રોડ પરથી રાજકોટના રૈયા રોડ પર રહેતા દેવન વાઘેલા નામનો શખસ પણ આ જ પ્રકારે પોતાની કારમાં પોલીસની ખોટી ઓળખ ઉભી કરીને સામાન્ય લોકોમાં રોફ જમાવતો પોલીસના હાથે પકડાયો હતો. ત્યારે આજે ગોંડલનો નસીર ગુલામ ગોરી પણ આ જ રીતે સામાન્ય લોકોની વચ્ચે પોતાનો પોલીસ તરીકેનો રોફ મારતો ઉભો હતો અને લોકોમાં સીન સપાટા કરતા પોલીસના હાથે પકડાયો છે. પકડાયેલા નસીર ગુલામ ગોરી સામે શહેર બી ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે

