Site icon Revoi.in

સુરતમાં મેયરને રજુઆત માટે ગયેલા AAP’ના કોર્પોરેટરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી

Social Share

સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં મેયરને રજુઆત કરવા માટે આવેલા આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને મેયરે અડધો કલાક રાહ જોવડાવ્યા બાદ મુલાકાત ન આપતા કોર્પોરેટરોએ મેટરની કચેરી બહાર રામધૂન બોલાવીને મેયરનો હુરિયો બલાવાતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને કાર્પોરેટરોને ટીંગાટોળી કરીને બહાર કાઢી અટકાયત કરવામાં આવી હતી.

સુરત મ્યુનિ.કોર્પોરેશનમાં ગત સામાન્ય સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાંથી છટકબારી કાઢી સાફ શબ્દોમાં ઘસીને મેયરે જવાબ આપવાની ના પાડી દીધી હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે. ત્યારે મંગળવારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ મેયરને રજૂઆત કરવા અને સવાલના જવાબો માંગવા ગયા હતા, પરંતુ રાબેતા મુજબ જ મેયરે અડધો કલાક જેટલો સમય વિપક્ષના કોર્પોરેટરોને તેમની ચેમ્બરની બહાર રાહ જોવડાવી હતી. તે દરમિયાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને કાર્યકરોએ રામધૂન બોલાવવાની શરૂઆત કરી હતી, અને મેયરનો હુરિયો બોલાવ્યો હતો. દરમિયાન પોલીસ કાફલો દોડી આવ્યો  હતો અને કોર્પોરેટરો અને પદાધિકારીઓને ટીંગાટોળી કરીને ડિટેઇન કર્યા હતા. ડિટેઇન થયેલા કોર્પોરેટરોમાં વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણઘણ, વિપક્ષ દંડક રચનાબેન હીરપરા, કોર્પોરેટરો વિપુલ સુહાગીયા, સહિત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી અને અન્ય કાર્યકરો હતા.

વિપક્ષ આમ આદમી પાર્ટીએ આ ઘટના બાદ મેયર પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ પોતાનું મનસ્વીપણું બતાવે છે અને લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. લોકશાહીમાં પ્રજાના હિતના પ્રશ્નોના જવાબ આપવા મેયર બંધાયેલા છે. મેયર પોતાના મનના કાયદા થોપે તે ચલાવી શકાય એમ નથી. સામાન્ય સભામાં કોર્પોરેટરોને સવાલો પૂછવાનો BPMC Act મુજબ હક છે અને આ હક પર તરાપ મારીને લોકશાહી પર મેયર સીધો હુમલો કરી રહ્યા છે અને પોતાને કાયદાથી પણ ઉપર સમજી રહ્યા છે.