
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીની ૧૫ જૂનથી શરૂ થતી 30 જેટલી પરીક્ષાઓ મોકૂફ
રાજકોટઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમ છતાં એક પછી એક પરીક્ષાઓ રદ થઈ છે. ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ થયાં પછી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં 15 જૂનથી શરૂ થનારી 30 પરીક્ષાઓ ઉપર લટકતી તલવાર મંડાઈ હતી. હવે આ પરીક્ષાઓ હાલ તબક્કે મોકૂફ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પરીક્ષાની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું યુનિવર્સિટીના સત્તાધીશોએ જણાવ્યુ હતું.
કોરોનાની મહામારી વચ્ચે સીબીએસઈ બોર્ડની ધોરણ 12ની પરીક્ષાઓ પછી ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ટાઈમટેબલ જાહેર કરાયાના થોડા સમયમાં જ ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્વારા તા. 15 જૂનથી શરૂ થનારી પરીક્ષા ઉપર સંકટના વાદળો ઘેરાયા હતાં અને તેના આયોજનને લઈને અસંમજસ ભરેલી પરિસ્થિતિ સર્જાઈ હતી. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્વારા બીએસસી સેમ 6, એમએસસી સેમ.4, બીએસસી સેમ 6, પીજીડીએમસી સેમ 8, એમબીએ સેમ 8, બીએસસી સેમ 4, બીએ સેમ 4, બીએસડબલ્યુ સેમ 6, એમએસડબલ્યુ સેમ 4, એમએ સેમ. 4 સહિત 30 પરિક્ષાઓ 15 જૂને શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આ તમામને લઈને બેઠક વ્યવસ્થા સહિતના તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હતી. જો કે શુક્રવારે મોડી રાત્રે જાહેર થયેલાં પરિપત્રમાં આ પરીક્ષા હાલ તબક્કે મોકૂફ રાખવાનું જાહેર કરવામાં આવ્યું હતું.