Site icon Revoi.in

અમદાવાદમાં BRTS અને રિક્ષા વચ્ચે અકસ્માત, બસ રેલિંગ તોડી ડિવાઈડર પર ચડી ગઈ

Social Share

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ બીઆરટીએસ બસ અને રિક્ષા વચ્ચે સર્જાયો છે.શહેરના રખિયાલ વિસ્તારમાં ગત મોડી રાતે બીઆરટીએસ બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. બીઆરટીએસ બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રેલિંગ તોડીને ડિવાઇડર પર ચડી ગઈ હતી. આ દરમિયાન સામેથી રિક્ષા આવી રહી હતી, જેને ટક્કર વાગતા રિક્ષામાં બેઠેલા રિક્ષાચાલક સહિત પાંચ પ્રવાસીઓ ઘવાયા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના રખિયાલમાં બળિયાકાકા ચાર રસ્તા પાસેથી ગઈરાત્રે 11 વાગ્યાના અરસામાં બીઆરટીએસ બસ જઈ રહી હતી. ત્યારે બીઆરટીએસ બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ બીઆરટીએસનું ડિવાઈડર અને રેલિંગ તોડીને સામેના રોડ ઉપર પહોંચી હતી. આ દરમિયાન અમરાઈવાડી તરફથી રિક્ષા આવી રહી હતી. રિક્ષામાં ચાર પેસેન્જર અને રિક્ષા ડ્રાઇવર બેઠેલા હતા. અચાનક જ બસ રેલિંગ તોડીને આવી હતી અને રિક્ષાને અથડાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ડ્રાઇવર સહિત પેસેન્જરને ઇજા પહોંચી હતી. અકસ્માતમાં રિક્ષાને પણ નુકસાન થયું છે.

આ બનાવની જાણ થતા એચ  ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ દ્વારા હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પણ નિવેદન નોંધવામાં આવ્યા હતા. આ અંગે બીઆરટીએસ બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.