Site icon Revoi.in

વડોદરા હાઈવે પર પોર બ્રિજ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રકની કેબીન કાપી ડ્રાઈવરને બહાર કઢાયો

Social Share

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક પોર બ્રિજ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. રવિવારે મોડી રાત્રે એક ટ્રક પાછળ બીજી ટ્રક અથડાતા એક ટ્રકનો ચાલક ટ્રકના કેબીનમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક રીતે વડોદરા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસની ટીમો પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની મહેનત પછી ઇજાગ્રસ્ત ચાલકને કેબિન કાપીને બહાર કાઢ્યો હતો અને તેને નજીકના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવની વિગત એવી છે. કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક પોર બ્રિજ પર ગત મોડી રાતે ઓવરટેક કરવા જતા એક ટ્રક આગળ જઈ રહેલી ટ્રક પાછળ ધકાડાભેર અથડાયો હતો. ઘટનાને પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેથી પોલીસ ઘટનાસ્થળે ગઈ હતી અને તુરંત જ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ સમયે ટ્રકનો ચાલક તેની કેબિનમાં ફસાઈ ગયો હતો. જેથી ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને તેનું રેસ્ક્યૂ શરૂ કર્યું હતું. ડ્રાઇવર ટ્રકના કેબિનમાં ફસાઈ ગયો હતો. જેથી તેને બહાર કાઢવા મુશ્કેલ સાબિત થઈ રહ્યું હતું. જોકે કટર અને અન્ય સાધનોની મદદથી કેબિનને કાપીને ફાયર બ્રિગેડે ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો. જોકે, અકસ્માતને પગલે ઘણા સમય સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાઈ ગયા હતા.

ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમને કંટ્રોલમાંથી કોલ આવ્યો કે, પોર નજીક દર્શન હોટલ પાસે એક્સિડન્ટ થયો છે અને ડ્રાઇવર ફસાઈ ગયો છે. એટલે તાત્કાલિક અમે બદામડી બાગ ફાયર સ્ટેશનથી ઘટના સ્થળે દોડી ગયા હતા અને ડ્રાઇવરને ટ્રકમાંથી સહી સલામત બહાર કાઢ્યો હતો.