Site icon Revoi.in

અમદાવાદમાં હિપ્નોટાઈઝ કરીને વૃદ્ધાના સોનાના ઘરેણા લૂંટ કેસનો આરોપી પકડાયો

Social Share

 અમદાવાદ, 11 જાન્યુઆરી 2026:  શહેરના વેજલપુર વિસ્તારમાં મંદિરે દર્શન માટે જઈ રહેલા એક વૃદ્ધાને ઊભા રાખીનેપોતાની વાતોમાં ફસાવી, ધાર્મિક વિધિ અને માતાજીના નામે સંમોહન (Hypnotism) કરી સોનાના દાગીના ચોરી જનારો 21 વર્ષીય યુવાન આરોપીને ઝોન-7 એલસીબી પોલીસે ઝડપી લીધો છે. આ ટોળકી ધાર્મિક આસ્થાનો સહારો લઈને ભોળા નાગરિકોને પોતાની જાળમાં ફસાવતી હતી.

આ બનાવની વિગત એવી હતી કે, ગઈ તા. 23મી નવેમ્બર 2025ના રોજ વેજલપુર વિસ્તારમાં એક વૃદ્ધા મંદિર જઈ રહ્યા હતા, ત્યારે બે શખસોએ તેને રસ્તામાં અટકાવ્યા હતા. આ શખસોએ પોતાની ઓળખ ખોડિયાર માતાજી અને કાળકા માતાજીના સેવકો તરીકે આપી હતી અને ખોડિયાર માતાજીના મંદિરનું સરનામું પૂછવાના બહાને વાતચીત શરૂ કરી હતી. શરૂઆતમાં આ શખસોએ વૃદ્ધા પાસે એક રૂપિયો માંગ્યો હતો અને બદલામાં તેમને 100 રૂપિયા આપી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ, માતાજીના નામે વિધિ કરવાનું કહી વૃદ્ધા પર સંમોહનનો પ્રયોગ કર્યો હતો. આ શખસોની વાતોમાં આવી ગયેલા વૃદ્ધાએ પોતાની સોનાની બંગડી ઉતારી તેમને આપી દીધી હતી, જે લઈને બંને શખસો પલાયન થઈ ગયા હતા. વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ, ઝોન-7 એલસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સુનીલનાથ ચૌહાણ ઉર્ફે મદારી (ઉ.વ.21)ને ઝડપી પાડ્યો હતો.

પોલીસ તપાસમાં આરોપી પાસેથી 13.160 ગ્રામ સોનાની બંગડી (કિંમત 1 લાખ રૂપિયા) અને સોનાની ચેન સહિત કુલ 1.8 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગુનામાં સામેલ બીજો શખસ, પવનનાથ ઠાકોરનાથ ચૌહાણ હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં એવી હકિકતો મળી છે કે ઝડપાયેલો આરોપી સુનીલનાથ ચૌહાણ રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ પીપાવાવ (અમરેલી), વડનગર (મહેસાણા), ઉના (ગીર સોમનાથ) અને દહેગામમાં છેતરપિંડી અને ચોરીના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ટોળકી અગાઉ પણ અનેક લોકોને આ જ રીતે શિકાર બનાવી ચૂકી હોવાની આશંકા છે. રસ્તામાં કોઈ અજાણ્યા વ્યક્તિ ધાર્મિક વિધિ કે આશીર્વાદના નામે કિંમતી વસ્તુઓ માંગે તો તરત જ પોલીસનો સંપર્ક કરો.

Exit mobile version