Site icon Revoi.in

ગાંધીનગરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા કેસમાં આરોપીની ધરપકડ

Social Share

ગાંધીનગરઃ શહેરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં પોલીસે મોહન નાગજીભાઇ પારધી નામના આરોપીની ધરપકડ કરી છે. મૃતક અને આરોપી લાંબા સમયથી પ્રેમસંબંધમાં હતા. મહિલા કોન્સ્ટેબલ ઘરે એકલી હોવાથી આરોપી અમરેલીથી પહેલા અમદાવાદ અને બાદમાં ગાંધીનગર આવ્યો હતો. જ્યાં બંને રુમમાં એકાંતની પળો માણી રહ્યા હતા તે દરમિયાન મહિલા કોન્સ્ટેબલે લગ્ન કરવા માટે દબાણ કર્યુ હતું. લગ્ન સંબંધને લઈને થયેલી તકરારમાં તેના જ પરિણીત પ્રેમી મોહન પારગીએ ગળું દબાવીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મોહન પારગીને અમરેલીથી ઝડપી લીધો છે.

આ બનાવ અંગે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીએ પત્રકાર પરિષદ યોજીને વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસકર્મી રિંકલ વણઝારાની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. આ હત્યા તેના પરિચિત મોહન પારગીએ જ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. રિંકલ વણઝારા અને મોહન પારગી કોલેજ સમયથી એકબીજાને ઓળખતા હતા અને તેમના વચ્ચે છેલ્લા 15 વર્ષથી અંગત સંબંધો હતા. મોહન પારગી પરિણીત છે અને તેને 4 વર્ષનું બાળક પણ છે. 2015માં તેના લગ્ન થયા હતા. રિંકલ મોહન સાથે લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી, પરંતુ મોહન લગ્ન કરવા તૈયાર નહોતો. આ બાબતે બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, જેના પગલે મોહને રિંકલની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ મોહન પારગી ગાંધીનગરથી ફરાર થઈને તેના વતન અમરેલી ભાગી ગયો હતો. ગાંધીનગર પોલીસે અમરેલી પોલીસની મદદથી મોહનને ઝડપી પાડ્યો છે. મોહન પારગી એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. પોલીસે હાલ તેની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

 

Exit mobile version