Site icon Revoi.in

સુરતમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરીને હત્યાના કેસનો આરોપી મુંબઈથી પકડાયો

Social Share

સુરતઃ શહેરમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરાયુ હતુ. અપહરણકાર બાળકની માતાનો મોબાઈલ ફોન પણ ઉઠાવી ગયો હતો. ત્યારબાદ થાણેના રેલવે સ્ટેશન પર એક ટ્રેનના એસી કોચના ટોયલેટમાંથી બાળકની હત્યા કરેલી ડેડબોડી મળી હતી. શહેરની ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરીને ત્રણ વર્ષના બાળકનું અપહરણ અને હત્યા કેસનો આરોપી વિકાસ વિશ્નુદયાલ (રહે: શિવાન, બિહાર)ને મુંબઈના બીકેએમ રેલવે યાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને એક ચોક્કસ લોકેશનની માહિતી મળતા 3 દિવસની શોધખોળ બાદ પોલીસે એક કિલોમીટર સુધી પીછો કરીને આરોપીને દબોચી લીધો હતો. આરોપી છેલ્લા ત્રણ દિવસથી પોલીસના ડરથી નાસી રહ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, , બિહારના સિવાન જિલ્લાના બરહન ગામના વતની રાજેન્દ્ર જીઉત શાહ હાલ દુબઈમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પત્ની દુર્ગાદેવી તેના સંતાનો પૈકી ખુશી (ઉ.વ. 8), અંકુશ (ઉ.વ. 5) અને ત્રણ વર્ષીય પુત્ર આકાશ ઉર્ફે આરવ સાથે સુરતના ક્રિશ્નાનગર, ગણેશપુરા અમરોલી ખાતે બાળકોને અભ્યાસ કરવા અર્થે રહે છે. ગત સપ્તાહે બિહાર રહેતી દુર્ગાદેવીની મોટી બહેન રબડીદેવી બિનશુલદયાળ તેના પુત્ર વિકાસ (ઉ.વ. 26) સાથે રહેવા આવી હતી. 21 ઓગસ્ટે આરોપી વિકાસ તેના માસીયાઈ ભાઈ આકાશને રમાડવા બહાર લઇ ગયો હતો અને બાદમાં બંને ગાયબ થઇ ગયા હતા. વિકાસ તેની માસી દુર્ગાદેવીના પુત્ર આકાશ ઉર્ફે આરવ અને મોબાઈલ બંને લઇ ગયો હતો. આ દરમિયાન મુંબઇ નજીકના થાણેના લોકમાન્ય તિલક રેલવે સ્ટેશને કૃષિનગર ટ્રેનમાં એસી કોચના શૌચાલયના ડસ્ટબિનમાંથી આકાશનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકે ગળામાં જે દોરો પહેર્યો હતો તેના વડે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી. માસૂમની હત્યા કરી વિકાસ બિનશુલદયાલ શાહ (ઉ.વ. 26, રહે. કચહારી રોડ, સીજેએમ કોર્ટ, સિવાન, બિહાર) ભાગી છૂટયો હતો. ગંભીર આ ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્ર અને આરોપીના વતન બિહારમાં ધામા નાંખ્યા હતા. દરમિયાન વિકાસ મૃતક આકાશની માતા દુર્ગાદેવીનો મોબાઇલ લઇ ભાગ્યો હોવાથી તેને કેન્દ્રમાં રાખી પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, વિકાસ વારંવાર થોડા સમય માટે ફોન ચાલુ બંધ કરી દેતો હોવાથી પોલીસ ચકરાવે ચઢી છે. કુશીનગર ટ્રેન જ્યાં-જ્યાંથી પસાર થઇ તે રેલવે સ્ટેશનોના સીસીટીવી ફૂટેજ, લોકમાન્ય તિલક સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ફરતે તપાસ કેન્દ્રિત કરાઈ હતી.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  આરોપી શાતિર છે, એકલો એકલો જ રહેતો હતો, ભટકતો રહેતો હતો, કોઈ મિત્ર પણ નથી, આરોપી પાસે પોતાનો મોબાઈલ ફોન પણ નથી. હાલ તેની પાસે જે ફોન છે તે માસીનો ચોરેલો મોબાઈલફોન છે. અમરોલી, ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત કુલ પાંચ જેટલી ટીમ આરોપીની શોધખોળ કરીને દબોચી લીધો છે.