Site icon Revoi.in

AMCનો એક્શન પ્લાનઃ અસહ્ય ગરમીને લીધે બપોરના સમયે 70 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે

Social Share

અમદાવાદ, 11 માર્ચ 2026: 70 traffic signals to remain closed during noon due to unbearable heat ફાગણ મહિનો પૂર્ણ થવાને હજુ એક સપ્તાહ જેટલો સમય બાકી છે ત્યારે જ કાળઝાળ ગરમીથી લોકો અકળાઈ ગયા છે. અમદાવાદમાં મહત્તમ ઉષ્ણતામાનનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો છે. અને હવામાન વિભાગે તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. ત્યારે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરીજનોને ગરમીમાંથી રાહત મળે તે માટે હીટ એક્શન પ્લાન અમલમાં લાવવામાં આવ્યો છે. જેમાં શહેરમાં બપોરના ટાણે  70 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 વાગ્યે બંધ રહશે. તેમજ ચાર રસ્તાઓ પર ગ્રીનનેટ લગાવવામાં આવશે, રાતના સમયે રોડ પર પાણીનો છંટકાવ કરાશે. આંગણવાડી, સ્કૂલ અને સફાઈ કામદારોના સમયમાં ફેરફાર કરાશે. સેવાભાવી સંસ્થાઓની મદદથી વધુ પાણીની પરબો પણ ઊભી કરાશે.

એએમસીના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, હીટ એક્શન પ્લાન અંતર્ગત શહેરનાં જુદા જુદા ઝોનમાં કામગીરી કરતાં સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, એસોસિએશનો સાથે મળીને 350થી વધુ પાણીની પરબો ચાલુ કરવામાં આવી છે અને વધુને વધુ સંસ્થાઓને જોડીને આગામી દિવસોમાં 1,000થી વધુ પાણીની પરબો શહેરમાં ઊભી કરવામાં આવશે. AMTS અને BRTS બસ સ્ટેન્ડ ઉપર પીવાના પાણીની તેમજ ORS પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ટ્રાફિક સિગ્નલો પર વધુ ટ્રાફિક થાય તેને ચાલુ રાખવા જરૂરી હોવાથી આવા ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ લગાવવા માટે CREDAI અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા 24 જેટલા ટ્રાફિક સિગ્નલો પર અત્યારે ગ્રીન નેટ લગાવવામાં આવશે. 70 ટ્રાફિક સિગ્નલો બપોરના સમયે બંધ રહેશે. શહેરના તમામ બાગ બગીચાઓ સવારે છ વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ દરેક બગીચામાં પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

શહેરમાં આવેલી તમામ બાંધકામ સાઈટો ઉપર અનિવાર્ય સંજોગો સિવાય બપોરે 1થી 4 કામ બંધ રાખવામાં આવશે. ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન શ્રમિકોએ બપોરે 1થી 4 દરમિયાન કામગીરી કરવાની રહેશે નહીં. આંગણવાડી, સ્કૂલ તેમજ સફાઈ કામદારોની કામગીરીમાં સમયમાં ફેરફાર કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિને ચક્કર આવે ઉલટી થાય કે અતિશય માથાનો દુ:ખાવો થાય તો તરત જ નજીકના અર્બન હેલ્થ સેન્ટર અથવા હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Exit mobile version