Site icon Revoi.in

જુનાગઢના ભાજપના કોર્પોરેટર સહિત 4 શખસો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી

Social Share

જુનાગઢ, 21 જાન્યુઆરી 2026:  શહેરમાં પોલીસ માટે માથાનો દુઃખાવોરૂપ બનેલી કુરેશી ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના વોર્ડ નંબર 3ના ભાજપના ચાલુ કોર્પોરેટર અબ્બાસ કુરેશી, પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો અને તેમના સાગરિતો સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગેંગ હત્યાની કોશિશ, સાયબર ફ્રોડ, પોલીસ પર હુમલો અને આર્મ્સ એક્ટ જેવા અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે. ઉપરાંત રૂપિયા 305 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડમાં મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા નાણાં દુબઈ મોકલવાના રેકેટમાં પૂર્વ કોર્પોરેટર અસ્લમ કુરેશી સહિત બેની ભૂમિકા ખુલતા પોલીસે આ કડક કાર્યવાહી હાથ ધરી છે.

​જૂનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા અને રાજકીય વગ ધરાવતા કુરેશી બંધુઓ સામે પોલીસે લાલા આંખ કરી છે.  વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર અબ્બાસ કુરેશી અને તેમના ભાઈ તથા પૂર્વ કોર્પોરેટર અસલમ ઉર્ફે લાલો ઈબ્રાહિમ કુરેશી સહિત કુલ 4 શખસ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો છે. જેમાં કરીમ સીડા અને સેબાઝ કુરેશીનો પણ સમાવેશ થાય છે. ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ સંગઠિત અપરાધ નિવારણના આ કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ગેંગ વિરુદ્ધ અગાઉ અનેક ગંભીર ફરિયાદો નોંધાઈ ચૂકી છે

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ​કુરેશી ગેંગ માત્ર આર્થિક ગુનાઓમાં જ નહીં, પણ શારીરિક હુમલાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પણ સક્રિય હતી. કૂરેશી ગેંગ સામે હત્યાની કોશિશ, પોલીસ અધિકારીઓ પર હુમલો, જુગારધામ ચલાવવા, આર્મ્સ એક્ટ હેઠળ હથિયારો રાખવા અને સાયબર છેતરપિંડી જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેમની વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. ઉલ્લેખનીય છે કે, વોર્ડ નંબર 3માં ભાજપની આખી પેનલ બિનહરીફ ચૂંટાઈ આવી હતી, જે પૈકીના જ એક સભ્ય હવે જેલના સળિયા પાછળ જશે.

Exit mobile version