1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આરોગ્યના અધિક મુખ્ય સચિવ કહે છે કે, લગ્ન-ભોજન સમારંભોના લીધે કોરોનાના કેસ વધ્યાં

આરોગ્યના અધિક મુખ્ય સચિવ કહે છે કે, લગ્ન-ભોજન સમારંભોના લીધે કોરોનાના કેસ વધ્યાં

0
Social Share

અમદાવાદ:  રાજ્યમાં ઠંડીની ધીમા પગલે શરૂઆત સાથે જ કોરોનાના કેસમાં પણ ધીમા પગલે વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં  છેલ્લાં કેટલાંક દિવસથી દરરોજના કોરોનાના નવા કેસ 60થી 70 જેટલા નોંધાઈ રહ્યા છે. ત્યારે લગ્નની સિઝન હોવાના કારણે કોરોનાના કેસો વધ્યા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવનું માનવું છે. અહીં નોંધનીય છે કે  શનિવારે ગુજરાતમાં કોરોના વાયરસના નવા 71 કેસ નોંધાયા હતા. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું ટેસ્ટિંગ 50 હજારથી વધારીને 70 હજાર સુધીનું કરી દેવાયું છે. રાજ્યની હોસ્પિટલ્સને પણ સાધન-સગવડ સાથે સજ્જ રહેવા જણાવાયું છે.

આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે આ પ્રસંગોમાં લોકોની હાજરી અને અવરજવર વધતા કોરોનાના કેસો વધી રહ્યા છે. લગ્ન પ્રસંગોમાં યોજાતા ભોજન કાર્યક્રમના કારણે સંક્રમણ ફેલાઈ રહ્યું છે. શહેર કે જિલ્લાના આરોગ્ય અધિકારીઓ પાસેથી કેસ ડિટેઈલ મગાવતા મોટાભાગના દર્દીઓની કેસ હિસ્ટ્રી લગ્ન પ્રસંગમાં જઈને આવ્યા હોય તે પછી કોરોના થયો હોય તેમ જણાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જામનગરમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. જામનગરમાં ઓમિક્રોનના દર્દીઓની સારવાર કરી રહેલા નિષ્ણાતોનું કહેવું છે કે 72 વર્ષીય દર્દીમાં ઓમિક્રોનના લક્ષણોમાં ગળામાં સોજો, ઉધરસ અને નબળાઈ જેવા લક્ષણો સામેલ છે. આ વ્યક્તિ ઝિમ્બાબ્વેથી ગુજરાત આવ્યો હતો.

કોરોના વાઈરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ભય વચ્ચે રાજ્યમાં કોરોના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે હાલમાં લગ્નની સિઝન હોવાથી લોકોની લગ્ન પ્રસંગોમાં અવરજવરને કારણે કોરોના કેસોની સંખ્યા વધી છે. ઓમિક્રોનને લઇને તમામ પ્રકારની સાવચેતી રખાઈ રહી છે. જામનગરમાં નોંધાયેલા ઓમિક્રોનના ત્રણેય ​​​​​​દર્દીનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. આ દર્દીઓના સંપર્કમાં આવેલા 150 જેટલા લોકોનું ટેસ્ટિંગ કરાયું છે, જેમાંના મોટા ભાગના લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. એરપોર્ટ પર વિદેશથી 15524 મુસાફરો આવ્યા હતા તેમાંથી 1580 મુસાફરો હાઇ રિસ્ક દેશોમાંથી આવ્યા હતા. આ તમામના ટેસ્ટ અને સ્ક્રીનિંગ કરવામાં આવ્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code