
આદિત્ય એલ1એ ધરતી અને ચંદ્ર સાથેની સેલ્ફી મોકલી, ઈસરોએ તસવીર શેર કરી
- સૂર્ય મિશન આદિત્ય એલ1ને તાજેતરમાં જ લોન્ચ કરાયું
- 15 લાખ કિમીનું અંતર કારવા માટે 4 મહિનાનો સમય લાગશે
નવી દિલ્હીઃ ભારતના સૌર મિશન આદિત્ય L1એ વર્તમાન કક્ષાએથી ધરતી અને ચંદ્ર સાથેની સેલ્ફી મોકલી છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)એ સેલ્ફી અને ફોટોઝ જાહેર કર્યા છે. આ સૌર મિશનનું લક્ષ્ય L1 પોઈન્ટ સુધી પહોંચવાનું છે. જ્યાં સૂર્ય અને ધરતીની ગુરુત્વાકર્ષણ શક્તિ એકસમાન હોય છે. ઈસરોએ પોસ્ટ કરેલ વિડીયોમાં અંતરિક્ષ યાનનો એક ભાગ દેખાય છે. જેમાં વિઝિબલ એમિશન લાઈન કોરોનાગ્રાફ પણ દેખાય છે, જે સૌર કોરોનાની સ્ટડી કરશે.
વિડીયોમાં સૂર્યથી પ્રકાશિત ધરતીના એક ગોળાર્ધનો ફોટો અને એક સફેદ બિંદુ તરીકે ચંદ્ર પણ જોવા મળી રહ્યો છે. અંતરિક્ષ યાનને L1 પોઈન્ટ સુધી પહોંચવા માટે 15 કિલોમીટરનું અંતર કાપવા માટે 4 મહિનાનો સમય લાગશે.
ઈસરોના મિશન મૂન હેઠળ ચંદ્રયાન-3એ તાજેતરમાં ચંદ્ર ઉપર સફળતાપૂર્વક ઉતરાયણ કર્યું હતું. ચંદ્ર ઉપર અત્યાર સુધીમાં રશિયા, અમેરિકા અને ચીન બાદ ભારત ચોથો દેશ બન્યો છે. જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરાણ કરનાર પ્રથમ દેશ બન્યો છે. ભારતના ચંદ્રયાન-3ની સફળતાની અમેરિકા સહિત દુનિયાના વિવિધ દેશોએ નોંધ લીધી હતી. તેમજ ભારતને શુભકામનાઓ પણ પાઠવી હતી. આ ઉપરાંત તાજેતરમાં જ સૌર મિશન આદિત્ય એલ1ને લોન્ચ કરવામાં આવ્યો હતો. આદિત્ય એલ1 મારફતે ભારતીય વૈજ્ઞાનિકો સૂર્યના કિરણો ઉપર અભ્યાસ કરશે. કરોડો ભારતીયોએ આદિત્ય એલ-1 લોન્ચિંગને ઓનલાઈન નિહાળ્યું હતું.