Site icon Revoi.in

ભાવનગરના અલંગમાં લાંબા સમય બાદ લકઝરિયસ ક્રુઝ ભંગાવવા માટે આવ્યું

Social Share

ભાવનગરઃ જિલ્લાનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે કોરોના કાળ બાદ હાલ પ્રથમ વખત લકઝરિયસ ક્રુઝ શિપ અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ ખાતે ભંગાણાર્થે આવી પહોંચ્યુ છે. જો કે, આ શિપની મોટાભાગની લકઝરી વસ્તુઓ, ફર્નિચર અંતિમ સફરે નિકળે તે પહેલા ઉતારી લેવામાં આવેલી છે. અલંગના પ્લોટ નં.વી-5 દ્વારા ખરીદવામાં આવેલા ફોર્ટુ (અગાઉનું નામ બેલા ફોર્ચ્યુના) ગઈકાલે શનિવારના રોજ અલંગની સામેના દરિયામાં આવી પહોંચ્યુ હતુ, જ્યાં તેનું કસ્ટમ્સ સહિતની સરકારી એજન્સીઓ દ્વારા ચેકિંગ સહિતની વિધી પૂર્ણ કરવામાં આવી હતી.

અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ છેલ્લા વર્ષોથી મંદીનો સામનો કરી રહ્યો છે. દર મહિને ભંગાવવા માટે આવતા જહાંજમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે ગઈકાલે લકઝરીયસ ક્રુઝ ભંગાવવા માટે આવ્યું છે. 1982માં બનાવવામાં આવેલા ફોર્ટુ જહાજમાં 1664 પેસેન્જર અને 540 ક્રુ મેમ્બરોનો સમાવેશ કરવા માટેની 724 કેબિનો સામેલ હતી. આ જહાજ 16120 મે.ટનનું છે, અને વર્ષ 2016માં તેનું રીનોવેશન કરવામાં આવ્યુ હતુ. 215 મીટર લાંબુ અને 33 મીટર પહોળુ આ જહાજ પ્રવાસીઓ માટે આકર્ષણ હતુ. તેમાં કુલ 12 માળ આવેલા છે, જે પૈકી 9 માળમાં કેબિનો આવેલી છે.

ફોર્ટુ જહાજમાં 2 રેસ્ટોરન્ટ, 7 લિફ્ટ, 2 જીમ, સ્પા, બ્યુટી સલૂન, સ્વીમિંગ પૂલ, બાસ્કેટબોલ, બેડમિંટન, ટેબલ ટેનિસ, થીએટર, ઇન્ટરનેક કાફે, કોફી હાઉસ, 3 બાર રૂમ, સુવેનિયર-ગીફ્ટ માટેના શો-રૂમ, 2 લાઉન્જ, વીડિયો આર્કેડ, કિડ્ઝ ઝોન, મેડિકલ સેન્ટર, નેપ્ચ્યુઅન નાઇટ કલબ સહિતના આકર્ષણો મોજુદ હતા. પરંતુ આ જહાજને ભંગાણાર્થે મોકલવાનું છેલ્લા બે વર્ષથી ચર્ચાઇ રહ્યુ હતુ, તેથી તેમાંથી મોટા ભાગની લકઝરી વસ્તુઓ ઉતારી લેવામાં આવેલી છે. અલંગમાં કોરોના કાળ અને ત્યારબાદના 6 માસમાં 15 ક્રુઝ શિપ ભંગાણાર્થે આવ્યા હતા, જો કે, તે સમયગાળા દરમિયાન સૌથી વધુ ક્રુઝ શિપ તૂર્કિમાં ભંગાણાર્થે મોકલવામાં આવેલા હતા.

 

Exit mobile version