મહેસાણા, 4 મે 2026: Husband commits suicide after killing wife and daughter જિલ્લાના વડનગરની સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી એક યુવકે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનો ગઈકાલે રવિવારે બનાવ બન્યો હતો શરૂઆતમાં માત્ર એક આપઘાત જણાતી આ ઘટનામાં ત્યારે નવો વળાંક આવ્યો જ્યારે મૃતક ગિરીશ પરમારના ખિસ્સામાંથી એક ચોંકાવનારી સુસાઈડ નોટ મળી આવી. આ ચિઠ્ઠીમાં યુવકે લખ્યું હતું કે, તેણે અંદાજે છ મહિના પહેલાં પોતાની પત્ની અને માસૂમ દીકરીની કરપીણ હત્યા કરી તેમના મૃતદેહ પોતાના જ ઘરમાં દાટી દીધા હતા. ગુનાના ડર અને કૌટુંબિક વિવાદને કારણે યુવકે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે. સુસાઈડ નોટને આધારે પોલીસ કાફલો જેસીબી મશીન સાથે મૃતદેહોની શોધખોળ કરવા મૃતકના શાહપુર વડ ગામે પહોંચ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, મહેસાણાના વડનગર તાલુકાના શાહપુર વડ ગામના રહેવાસી અને હીરાના કારખાનામાં કામ કરતા 46 વર્ષીય ગિરીશ બાબુભાઇ પરમારે ગઈકાલે રવિવારે સાંજે વડનગર સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. હોસ્પિટલ જેવા જાહેર સ્થળે બનેલી આ ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. અને હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા હતા મૃતક ગિરીશના પોસ્ટમોર્ટમ અને તપાસ દરમિયાન તેના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેણે અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. ગિરીશે લખ્યું હતું કે, “મેં છ મહિના પહેલા મારી પત્ની પ્રિયંકા અને દીકરી પરીની હત્યા કરી દીધી છે અને તેમની લાશ શાહપુર વડ સ્થિત મારા પોતાના મકાનમાં જ દાટી દીધી છે.” આ કબૂલાત બાદ પોલીસ તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયું છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક ગિરીશે અંદાજે છ મહિના પહેલા પોતાની પત્ની અને દીકરીની હત્યાને અંજામ આપ્યો હતો. ત્યારબાદ તેણે પત્ની અને પુત્રી ગુમ થઈ હોવાની અફવા ફેલાવી હતી અને પોતે પોતાની બહેનના ઘરે રહેવા જતો રહ્યો હતો. લાંબા સમયથી પત્ની-પુત્રી ગુમ હોવા છતાં ગિરીશ પોલીસ ફરિયાદ કરવામાં આનાકાની કરતો હતો, જેથી અંતે પ્રિયંકાના દાદાએ 15 દિવસ પહેલા વડનગર પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ગિરિશના મનમાં એવો ડર ઘૂસી ગયો હતો કે, પોલીસ તપાસમાં તેનો ભાંડો ફૂટી જશે અને તેને પકડી લેશે એટલે તપાસની સોય તેના સુધી પહોંચે તે પૂર્વે જ ગિરિશે વડનગરની સિવિલના ચોથા માળે જઈ ત્યાંથી છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું હતું.

