મોટાભાગના ખેડુતોએ માલ વેચી દીધા બાદ સરકારે બટાકા અને ડુંગળીના પાકમાં સહાયની કરી જાહેરાત
ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બટાકાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. જેયારે સૌરાષ્ટ્રમાં ડુંગળીનું પણ મબલખ ઉત્પાદન થયું છે. બટાટા અને ડુંગળીના ભાવ ગગડી જતાં ખેડુતોની હાલત કફોડી બની હતી. ખેડુતોને મફતમાં ભાવમાં બટાટા અને ડુંગળીનો પાક વેચવાની ફરજ પડી હતી. ત્યારે અનેક રજુઆતો બાદ રાજ્ય સરકારે બટાટા અને ડુંગળીના પાકમાં સહાય આપવાની જાહેરાત કરી હતી.
ગુજરાત વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રશ્નોત્તરી દરમિયાન જાહેરાત કરી કે, લાલ ડુંગળીના બજાર ભાવ પોષણક્ષમ ભાવો ન મળતાં 70 કરોડની સહાય અપાશે. સાથે જ ટ્રાન્સપોર્ટ સબસીડી પણ આપવામાં આવશે. કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાંથી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ‘ખેડૂતોને ટ્રાન્સપોર્ટ સબસિડી આપવામા આવશે. ખેડૂતોને 70 કરોડની સહાય આપવામાં આવશે. ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કીલો માટે સહાય મળશે. સરકાર એક કિલોએ 2 રૂપિયાની સહાય આપશે. આ ઉપરાંત બટાકા અન્ય દેશમાં એક્સપોર્ટ કરવા પર 25 ટકા સહાય આપવામાં આવશે.
કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચતા ખેડુતોને 250 કવીન્ટલના એક કટ્ટા એવા 500 કટ્ટાની મર્યાદામાં કટ્ટા દીઠ રૂા.100 અર્થાત પ્રતિ કિલો રૂા. બેની સહાય આપવાનું નકકી કરવામાં આવ્યું છે. જે પેટે ખેડુતોને અંદાજિત 70 કરોડની સહાય કરવામાં આવશે. આ સિવાય ડુંગળીના ટ્રાન્સપોર્ટેશન સહાય જાહેર કરતા તેમણે ઉમેર્યુ હતું કે રોડ ટ્રાન્સપોર્ટ મારફત ડુંગળી પરિવહનમાં પ્રતિ ટન રૂા.750 રેલવે મારફત રૂા. 1150 તથા દેશ બહાર નિકાસના સંજોગોમાં 10 લાખની મર્યાદામાં ટ્રાન્સપોર્ટ સહાય કરવામાં આવશે.
આ સહાય પેટે 20 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
ડુંગળીની જેમ બટેકા માટે પણ સહાય જાહેર કરવામાં આવી છે. 40.26 લાખ ટન બટેટાના ઉત્પાદનનો અંદાજ દર્શાવતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે જથ્થાબંધ સરેરાશ ભાવ રૂા.544 છે. જેના કારણે સહાય આપવાની રજુઆતોને ધ્યાનમાં રાખીને સરકારે વિવિધ નિર્ણયો કર્યા છે. ટ્રાન્સપોર્ટ સહાય પેટે 20 કરોડની સહાય અપાશે જેમાં રોડ ટ્રાન્સપોર્ટમાં પ્રતિ ટન રૂા.750, રેલવે મારફત ટ્રાન્સપોર્ટ પ્રતિ ટન રૂા.1150 તથા નિકાસના સંજોગોમાં 10 લાખની મર્યાદામાં સહાય આપવામાં આવશે. 30-4 સુધી આ સહાય અપાશે. આ ઉપરાંત કોલ્ડ સ્ટોરેજમાં માત્ર આવા માટે સંગ્રહ કરવામાં આવે તો પ્રતિ કિલો રૂા. 1 અર્થાત પ્રતિ કટ્ટા રૂા.250ની સહાય કરવામાં આવશે. 600 કટ્ટાની મર્યાદામાં આ સહાય 1-2થી 31-3-2023 સુધી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરે તેને અપાશે. આ સહાય પેટે 200 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં બટેટા વેંચનાર ખેડુતને કટ્ટા દીઠ રૂા.50 અર્થાત પ્રતિ કિલો રૂા.1ની સહાય આપવામાં આવશે. તેનો ળો પણ તા.1-2થી 31 માર્ચ સુધીનો રહેશે તે પેટે 20 કરોડની સહાય ચૂકવાશે.