Site icon Revoi.in

ભાજપના પ્રદેશની નિયુક્તિ, મંત્રી મંડળના વિસ્તરણ બાદ હવે સંગઠનનું નવુ માળખુ જાહેર કરાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદિશ વિશ્વકર્માની નિયુકિત બાદ રાજ્યની ભૂપેન્દ્ર પટેલની ભાજપની સરકારના મંત્રી મંડળનું પુનઃગઠન કરવામાં આવ્યુ હતુ. જેમાં કેટલાક મંત્રીઓને પડતા મુકીને નવા મંત્રીઓનો પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે લાભપાંચમ બાદ ભાજપના પ્રદેશ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.

રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં હાઇકમાન્ડનું તેડુ આવતાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી દોડ્યા હતાં. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે યોજાયેલી બેઠકમાં નવા મંત્રીઓ ઉપરાંત પ્રદેશના નવા માળખાને લઇને પણ ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.

પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યા બાદ જગદીશ વિશ્વકર્માએ  ગુજરાતનો પ્રવાસ શરૂ કરી કાર્યકરો સાથે જનસંપર્ક કર્યો છે. સાથે સાથે ઝોન વાઇઝ જાહેરસભા યોજવાનું શરૂ કર્યું છે. દિવાળી બાદ ભાજપ દ્વારા સ્નેહમિલનના કાર્યક્રમો ઠેર ઠેર યોજાશે, જેમાં સંગઠન અને મંત્રીઓ દ્વારા કાર્યક્રમો યાજાશે.

આ ઉપરાંત આગામી મહાનગરપાલિકા-સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવાના લક્ષ્ય સાથે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નવી ટીમને આખરી ઓપ આપવાની દિશામાં કવાયત હાથ ધરી છે. પક્ષ માટે ઘસાતા પાયાના કાર્યકરોને સંગઠનમાં સ્થાન આપવાનુ નક્કી કરાયુ છે. જૂના જોગીઓના અનુભવની સાથે યુવાઓને જોડી પ્રદેશના માળખાને નવો ઓપ આપવા તૈયારી કરાઇ છે ત્યારે હાઇકમાન્ડે લીલીઝંડી આપી દીધી છે.  એવામાં કેટલાંક નેતાઓની વાપસી થઈ શકે છે તો કેટલાંકને વિલા મોઢે વિદાય લેવી પડી શકે છે. અત્યારે કોને તક મળશે અને કોનુ પત્તુ કપાશે તેની અટકળો વચ્ચે પ્રદેશ માળખુ જાહેર થાય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે.

 

 

 

Exit mobile version