અમદાવાદ, 22 માર્ચ 2026: Temperatures in Gujarat will now increase ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં ભેજને કારણે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જોકે આજથી માવઠાની અસર ઓછી થતાં હવે તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં ભેજ સમી જતા હવે ફરીવાર ઉનાળો પોતાનો મિજાજ બતાવશે. આગામી ૩ દિવસમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું, જે આગામી દિવસોમાં 38 થી 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે.
હવામાનની આગાહીકારોના કહેવા મુજબ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો અને મજબૂત પશ્ચિમી વિક્ષેપને કારણે માર્ચ માસમાં આ પ્રકારે પવન, વાવાઝોડા અને કરા સાથે વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે. આ અણધાર્યા ફેરફારને કારણે દિવસના તાપમાનમાં કામચલાઉ ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે ગરમીનો પ્રકોપ વધવાની પૂરેપૂરી શક્યતા છે. જો કે ખાનગી આગાહીકાર અંબાલાલ પટેલે આગામી મહિનાઓ માટે હવામાનનો જે રોડમેપ આપ્યો છે તે વધુ ડરામણો છે. આગામી તા. 25 થી 28 માર્ચ દરમિયાન ફરી નવા પશ્ચિમી વિક્ષેપો આવશે. 10 થી 20 એપ્રિલ દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને કારણે વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે. સૌથી ભયાનક આગાહી મે મહિના માટે છે. 11 થી 20 મે દરમિયાન અરબ રાષ્ટ્રો તરફથી ‘કાળી આંધી’ આવવાની શક્યતા છે. મે મહિનામાં અરબ સાગર સક્રિય થશે અને મે ના અંતથી જૂનની શરૂઆત વચ્ચે બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડું આકાર લઈ શકે છે.

