
ગુજરાતમાં વાદળછાંયા વાતાવરણ બાદ હવે બે દિવસમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચશે
અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાનો પ્રારંભ થયાને દોઢ મહિનો વિતિ ગયો છે. ત્યારે બેઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી ફરીવાર આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. દરમિયાન કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગે માવઠાની આગાહી પણ કરી છે. જ્યારે બે દિવસ બાદ એટલે 9મી એપ્રિલથી ફરી આકરા ઉનાળાનો અનુભવ થવા લાગશે. એટલે કે તાપમાનને પારો 40 ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગમી બે દિવસ બાદ ગરમીનું જોર વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. હાલ વાદળછાયું વાતાવરણ હોવાથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ બે દિવસ બાદ ગરમીનું જોર વધવાની સંભાવના પણ વ્યકત કરવામાં આવી રહી છે. આવતીકાલથી કમોસમી વરસાદની સંભાવના નહિવત્ છે. સાયક્લોનિક સિર્ક્યુલેશન સાઉથ રાજસ્થાન તરફ ફંટાતા માવઠાનું જોર ઘટી જશે. શુક્રવારે રાતે સૌરાષ્ટ્રમાં સામન્ય વરસાદની સંભાવના છે. પરંતું આવતીકાલથી તાપમાનનો પારો ઉચકાશે. હવામાન વિભાગે આગાહી કરી છે. કે, ગુજરાતના મોટાભાગના શહેરોમાં સપ્તાહમાં તાપમાન 3 થી 4 ડિગ્રી વધશે. બે દિવસ બાદ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ વધશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં હાલ વાદળછાયા વાતાવરણના કારણે ગરમીમાં ઘટાડો થયો છે. જોકે, સોમવારથી ગરમીનું જોર વધશે.. વિન્ડ પેટર્નમાં પણ ફેરફાર થશે અને તેની હવામાન પર અસર વર્તાશે. અને મહિનાના અંત સુધીમાં તાપમાનનો પારો 42 ડિગ્રી વટાવી જશે. અને મે મહિનામાં લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. ઉપરાંત લૂ વાળા પવનો ફુંકાશે.