Site icon Revoi.in

અમદાવાદમાં સ્ટ્રીટ લાઈટ્સના પોલ પર ખૂલ્લા વાયરોને લીધે એજન્સીને 1.47 કરોડનો દંડ

Social Share

અમદાવાદઃ શહેરમાં સ્ટ્રીટ લાઈટ્સના પોલ પર ખૂલ્લા વાયરોને લીધે શોર્ટ સરકીટના બનાવો બનતા હોય છે. શહેરના નારોલ વિસ્તારમાં આવેલી મટનગલી ખાતે વીજ કરંટને કારણે ગત 14 સપ્ટેમ્બરના રોજ દંપતીના થયેલા મૃત્યુ બાદ એએમસી દ્વારા શહેરમાં વિવિધ વીજ પોલમાં ખુલ્લા વાયર રાખનારી એજન્સીઓને રૂ. 1.47 કરોડનો દંડ ફટકારાયો હતો. તે ઉપરાંત આ અકસ્માતને કારણે કોન્ટ્રાક્ટરને પણ 25-25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મ્યુનિની દંડનીય કાર્યવાહી છતાંયે સ્ટ્રીટ લાઈટ્સના પોલ પર ખૂલ્લા વાયરો જોવા મળી રહ્યા છે.

શહેરના નારોલ વિસ્તારમાં મટનગલી ખાતેથી પોતાના વાહન પર પસાર થતાં દંપતી રાજન સિંધવ અને તેમનાં પત્ની અંકિતાને પાણી ભરાયેલા રોડ પર વીજ કરંટ લાગ્યો હતો. આ વીજ કરંટ બાબતે તપાસ કરવામાં આવી હતી. જોકે બાદમાં મ્યુનિ. દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી હતી, જેમાં વીજ પોલમાં ખુલ્લા વાયરોની તપાસ કરવામાં આવી હતી. મ્યુનિ. દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલા વીજ પોલની ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની જવાબદારી અલગ અલગ ખાનગી કોન્ટ્રક્ટરને આપવામાં આવી છે ત્યારે જે વિસ્તારમાં વીજ પોલના તાર ખુલ્લા મળ્યા તે વિસ્તારમાં કોન્ટ્રાક્ટરને તંત્ર દ્વારા એક વીજ થાંભલા દીઠ રૂ. 50 હજાર સુધીનો દંડ ફટકારવામાં આ‌વ્યો છે. પ્રથામિક તપાસમાં જ શહેરમાં 300થી ‌વધારે વીજ પોલમાં જોખમી રીતે ખુલ્લા વાયરો મળી આવ્યા હતા, જેમાં આ કોન્ટ્ર્ક્ટરોને તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આ‌વ્યો હતો.

ઉલ્લેખનીય છેકે, બે વ્યક્તિનાં મૃત્યુ થયા તે જગ્યા પર જે એજન્સીની જવાબદારી હતી તેને મૃત્યુદીઠ રૂ. 25 લાખ લેખે 50 લાખ જેટલો દંડ ફટકારવામાં આ‌વ્યો હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે.

Exit mobile version