Site icon Revoi.in

માઉન્ટ આબુના જોખમી વળાંક પર અમદાવાદ આવતી બસ પલટી, 24 પ્રવાસીઓને ઈજા

Social Share

અમદાવાદઃ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુથી અમદાવાદ પરત ફરી રહેલા પ્રવાસીઓની ખાનગી લકઝરી બસને માઉન્ટના જોખમી વળાંક પર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી જતા 24 પ્રવાસીઓને ઈજાઓ થઈ હતી. જેમાં કેટલાક પ્રવાસીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માતની જાણ થતાં રેસ્ક્યુ ટીમ સાથે પોલીસ કાફલો દોડી ગયો હતો.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુ રોડ વિસ્તારમાં રવિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો. માઉન્ટ આબુ રોડ પર વીર બાવાસી મંદિર પાસે આજે સવારે એક ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસે પલટી ખાતા બસમાં પ્રવાસ કરી રહેલા 24  પ્રવાસીઓને ઈજા થઈ હતી. આ અકસ્માતને કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને પોલીસને જાણ કરી હતી

પોલીસ સૂત્રોના કહેવા મુજબ લકઝરી બસ જ્યારે પહાડી રસ્તા પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે અચાનક બસચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સંભવિત રીતે બસની બ્રેક ફેઈલ થઈ જવાને કારણે ચાલક બસને નિયંત્રિત કરી શક્યો નહોતો અને બસ માર્ગ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત થતાની સાથે જ બસમાં સવાર પ્રવાસીઓની ચીસાચીસથી પહાડીઓ ગુંજી ઉઠી હતી.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક માઉન્ટ આબુ અને આબુ રોડની નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક મુસાફરોને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેમને આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. બસમાં સવાર મોટાભાગના મુસાફરો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. અકસ્માતના સમાચાર મળતા જ અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનોમાં ભારે ચિંતા અને ફફડાટ વ્યાપી ગયો છે. અનેક પરિવારો પોતાના સ્વજનોની સ્થિતિ જાણવા આબુ તરફ રવાના થયા છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બસમાં ટેકનિકલ ખામી હતી કે ડ્રાઈવરની બેદરકારી, તે દિશામાં તપાસ શરૂ કરી છે.

 

Exit mobile version