1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ ફત્તેહવાડીના ખેડૂતોની માંગ સંતોષવા સાબરમતી ખાલી કરવાનો નિર્ણય મોકૂફ રખાયો
અમદાવાદઃ ફત્તેહવાડીના ખેડૂતોની માંગ સંતોષવા સાબરમતી ખાલી કરવાનો નિર્ણય મોકૂફ રખાયો

અમદાવાદઃ ફત્તેહવાડીના ખેડૂતોની માંગ સંતોષવા સાબરમતી ખાલી કરવાનો નિર્ણય મોકૂફ રખાયો

0
Social Share

અમદાવાદ, 4 એપ્રિલ 2026: સાબરમતી નદી પર આવેલા ઐતિહાસિક વાસણા બેરેજના દરવાજા બદલવા અને સુભાષબ્રિજના રિપેરીંગની કામગીરીમાં મોટો અવરોધ ઉભો થયો છે. અગાઉ 1લી એપ્રિલથી નદી ખાલી કરી કામ શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ ચૂંટણીના માહોલ વચ્ચે ફત્તેહવાડી વિસ્તારના ખેડૂતોની સિંચાઈના પાણીની માંગણી સ્વીકારી લેવામાં આવતા હવે 15મી એપ્રિલ બાદ જ નદી ખાલી કરી શકાશે. આ વિલંબને કારણે ચોમાસા પૂર્વે કામગીરી પૂર્ણ કરવા સામે મોટા પ્રશ્નાર્થો સર્જાયા છે.

વાસણા બેરેજના 18 દરવાજા બદલવા માટે અંદાજે 9 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરે ૬ દરવાજા સ્થળ પર ઉતારી દીધા છે, પરંતુ નદીમાં પાણી હોવાને કારણે જગ્યાના અભાવે બાકીનો સામાન 10મી એપ્રિલ પછી જ લાવી શકાશે. બીજી તરફ, સાબરમતી નદી ખાલી થયા બાદ સુભાષબ્રિજના તૂટી ગયેલા સ્પાનનું સમારકામ પણ શરૂ થવાનું હતું, જે હવે 15મી એપ્રિલ સુધી લંબાયું છે. 15મી જૂનથી ચોમાસું બેસી જતું હોવાથી, 60 દિવસની નિર્ધારિત સમયમર્યાદામાં આ કામ પૂર્ણ કરવું અશક્ય જણાઈ રહ્યું છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, ફત્તેહવાડીના ખેડૂતોએ 12થી 15એપ્રિલ દરમિયાન સિંચાઈ માટે પાણીનો છેલ્લો જથ્થો છોડવા માંગ કરી હતી. સામાન્ય સંજોગોમાં રિપેરીંગ માટે પાણી બંધ કરી દેવામાં આવતું હોય છે, પરંતુ હાલ ચૂંટણીનો માહોલ હોવાથી રાજકીય ગરમાવા અને ખેડૂતોની નારાજગી ટાળવા સિંચાઈ વિભાગે આ માંગણી સ્વીકારી લીધી છે. નોંધનીય છે કે, 1લી એપ્રિલના ડેડલાઇનને પહોંચી વળવા ૨૬મી માર્ચથી ઉપરવાસમાંથી પાણી બંધ કરાયું હતું, જે હવે ફરી શરૂ કરવું પડશે.

સમયસર કામ શરૂ ન થવાને કારણે પ્રોજેક્ટના ખર્ચમાં વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે. જો જૂન મહિનામાં વરસાદ શરૂ થઈ જાય તો નિયમ મુજબ નદીમાં કામગીરી થઈ શકે નહીં, જે કોન્ટ્રાક્ટરો માટે મોટી મુશ્કેલી ઉભી કરશે. આ ગંભીર વિલંબ અને આયોજનના અભાવ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો કોઈ સ્પષ્ટ જવાબ આપવાને બદલે છટકબારી શોધી રહ્યા હોય તેવું જણાય છે. હવે 15મી એપ્રિલ પછી યુદ્ધના ધોરણે કામ શરૂ થાય તો જ ચોમાસા પહેલા કોઈ ઉકેલ આવી શકે તેમ છે.

આ પણ વાંચોઃ હોર્મુઝ સંકટ વચ્ચે સારા સમાચાર, ચાર જહાજોએ દરિયામાં એક નવો માર્ગ શોધી કાઢ્યો

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code