1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદઃ હૃદય સુધી ફેલાયેલા કિડની કેન્સરની જટિલ સર્જરી કરીને ડૉક્ટરોએ કર્યો ચમત્કાર
અમદાવાદઃ હૃદય સુધી ફેલાયેલા કિડની કેન્સરની જટિલ સર્જરી કરીને ડૉક્ટરોએ કર્યો ચમત્કાર

અમદાવાદઃ હૃદય સુધી ફેલાયેલા કિડની કેન્સરની જટિલ સર્જરી કરીને ડૉક્ટરોએ કર્યો ચમત્કાર

0
Social Share

અમદાવાદ, 21 જુલાઈ 2026: અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના સર્જનોની સંયુક્ત ટીમે એક અત્યંત દુર્લભ અને જટિલ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડીને 50 વર્ષીય મહિલાનો જીવ બચાવી લીધો છે. કિડનીનું કેન્સર વધીને લોહીની નસો મારફતે સીધું હૃદય સુધી પહોંચી ગયું હતું, જેને આઠ કલાક લાંબી સર્જરી કરીને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યું છે.

કેસની જટિલતા: હંસાબેન નામના દર્દીને ડાબી કિડનીમાં ‘રેનલ સેલ કાર્સિનોમા’ (Renal Cell Carcinoma) કેન્સર હોવાનું નિદાન થયું હતું. તપાસમાં બહાર આવ્યું કે કેન્સરની ગાંઠ રેનલ વેઈનથી થઈને શરીરની સૌથી મોટી રક્તવાહિની ‘ઇન્ફિરિયર વેના કેવા’ (IVC) મારફતે સીધી હૃદયના જમણા કર્ણક (Right Atrium) સુધી પહોંચી ગઈ હતી. તબીબોના જણાવ્યા મુજબ, આવા કેસ માત્ર એક ટકા જ જોવા મળે છે અને તે અત્યંત જોખમી હોય છે.

આધુનિક ટેકનિકનો ઉપયોગ: સિવિલના યુરોલોજી વિભાગ અને યુ.એન. મહેતાના સીટીવીએસ (CTVS) વિભાગના તબીબોએ આઠ કલાક સુધી ચાલેલી આ સર્જરીમાં ‘કાર્ડિયોપલ્મોનરી બાયપાસ’ અને ‘હાઈપોથર્મિક સર્ક્યુલેટરી અરેસ્ટ’ જેવી અત્યાધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો, જેમાં દર્દીના શરીરનું તાપમાન ઘટાડીને રક્તભ્રમણ કામચલાઉ ધોરણે અટકાવવામાં આવે છે.

મોટા ખર્ચથી મુક્તિ: ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની અત્યંત ખર્ચાળ સારવાર પાછળ 8 થી 15 લાખ રૂપિયા કે તેથી વધુનો ખર્ચ થાય છે, પરંતુ સિવિલ કેમ્પસ ખાતે આ સંપૂર્ણ સારવાર રાજ્ય સરકારની આરોગ્ય યોજનાઓ હેઠળ સંપૂર્ણપણે મફત કરવામાં આવી છે.

તબીબો અને પ્રશાસનની પ્રતિક્રિયા

મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રશંસા: રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ડૉ. શ્રેણિક શાહ, ડૉ. ચિરાગ દોશી, ડૉ. જીગ્નેશ કોઠારી સહિતની સમગ્ર મેડિકલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલ જેવી જ અત્યાધુનિક સારવાર વિનામૂલ્યે મળી રહી છે.

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટનું નિવેદન: સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું કે આ સફળતા બે મોટી સરકારી સંસ્થાઓ વચ્ચેના ઉત્કૃષ્ટ સંકલનનું ઉત્તમ ઉદાહરણ છે. સર્જરી સફળ થયા બાદ દર્દીને બીજા જ દિવસે વેન્ટિલેટર સપોર્ટ પરથી હટાવી લેવામાં આવ્યા છે અને તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code