અમદાવાદઃ નવરાત્રિને ગણતરિના દિવસો બાકી રહ્યાં છે. બીજી તરફ કોરોના મહામારી વચ્ચે પણ સરકાર દ્વારા કેટલાક નિયંત્રણો સાથે રાહત આપી છે. જેથી યુવાનો નવરાત્રિમાં ગરબે ઘૂમવા થનગની રહ્યાં છે. તેમજ હાલ છેલ્લી ઘડીએ યુવતીઓ ચણીયાચોળી સહિતની વસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત બની છે. દરમિયાન શહેરના લો-ગાર્ડન વિસ્તારમાં એક દિવસમાં લોકોએ અંદાજે 5 લાખથી વધારેની કિંમતની ચણિયાચોળીની ખરીદી કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં નવરાત્રિને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે લૉ-ગાર્ડન તેમજ માણેકચોક ખાતે આવેલા રાણીના હજીરા જેવા બજારોમાં ચણિયાચોળી ખરીદવા ભારે ભીડ જામી હતી. લૉ-ગાર્ડન ખાતેના બજારમાં તો નવરાત્રિ પહેલાના છેલ્લા રવિવારે અંદાજે 5 લાખના ચણિયાચોળીનું વેચાણ થયું હતું. સીજી રોડના એક વેપારીના જણાવ્યા અનુસાર અમદાવાદમાં નવરાત્રિનું માર્કેટ અંદાજે રૂ.1 હજાર કરોડ છે. ચણિયાચોળી ઉપરાંત ઈમિટેશન જ્વેલરી, ઓક્સાઈડના દાગીના ખરીદવા માટે પણ લોકોની ભીડ જામી હતી. સીજી રોડ સહિતના વિસ્તારોમાં આવેલા શો-રૂમમાં ચણિયાચોળી ઉપરાંત કેડિયા, પાઘડી, ગૂંથણ કામ કરેલા વસ્ત્રોનું પણ સારું એવું વેચાણ થયું છે. ભરતગૂંથણની સાથે સ્ટાઇલિસ્ટ ચણિયા ચોળી, કેડિયાની ધૂમ છે. પરંતુ હિન્દી ફિલ્મ રામલીલાની ચણિયાચોળીનું ભારે આકર્ષણ છે. ગૂંથણકામ કરેલા ચણિયાચોળીની કિંમત અંદાજે 20 હજાર સુધી છે.
યુવતીઓ વિશેષ કરીને સિલ્વર જર્મન અને ઓક્સાઈડના દાગીના ખરીદે છે. જેમાં શોર્ટહાર, કાનનાં લટકણિયાં, પોંચા, હાથના કડા, કાનની શેર વગેરેની ધૂમ ખરીદી છે. આ વખતે રજવાડી, સ્ટોન, ઓક્સાઈડ, ભરવાડી કડા ડિમાંડમાં છે. ઉપરાંત મિરર જ્વેલરી પણ હોટ ફેવરિટ છે. જેમાં આ વખતે નવી ડિઝાઈન જોવા મળી રહી છે.