1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ: બાળક તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, નવજાત શિશુ બચાવાયું
અમદાવાદ: બાળક તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, નવજાત શિશુ બચાવાયું

અમદાવાદ: બાળક તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ, નવજાત શિશુ બચાવાયું

0
Social Share

અમદાવાદ, 29 જાન્યુઆરી 2026: શહેરમાં બાળક તસ્કરીના કાળા કારોબાર સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એ મોટી સફળતા મેળવી છે. એક સંયુક્ત ઓપરેશનમાં પોલીસે નવજાત શિશુના વેચાણના મોટા નેટવર્કને ઝડપી પાડી એક માસૂમ બાળકને રેસ્ક્યૂ કર્યું છે. આ મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત ATS ને બાતમી મળી હતી કે હિંમતનગર તરફથી એક કારમાં નવજાત શિશુનું ગેરકાયદે વહન કરવામાં આવી રહ્યું છે. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે એરપોર્ટની બાઉન્ડ્રી વોલ પાસે કોતરપુર પમ્પિંગ સ્ટેશન નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ સફેદ રંગની કારને અટકાવી તપાસ કરતા તેમાંથી એક નવજાત બાળક મળી આવ્યું હતું.

પોલીસે આ રેકેટમાં સંડોવાયેલા વંદના જીગરભાઈ પંચાલ (ઉ.વ. 34, રહે, ઓઢવ, અમદાવાદ ,મૂળ રહે અયોધ્યા, યુ.પી.), રોશન ઉર્ફે સજ્જન અગ્રવાલ (ઉ.વ. 42, રહે. હૈદરાબાદ , મૂળ રહે, ઝુંઝુનુ, રાજસ્થાન) તથા સુમિત બચ્ચનભાઈ યાદવ (ઉ.વ. 27, રહે. વટવા, અમદાવાદ, મૂળ રહે, સુલતાનપુર, યુ.પી.) તથા કાર ચાલક મૌલિક દવેની પણ અટકાયત કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેઓએ કબૂલ્યું કે, આ નવજાત શિશુને હિંમતનગરના ‘મુન્નુ’ નામના વ્યક્તિ પાસેથી રૂ. 3.6 લાખમાં ખરીદ્યું હતું. આ બાળકને હૈદરાબાદ લઈ જઈ ત્યાંના ‘નાગરાજ’ નામના એજન્ટને વેચવાની પેરવી હતી.

વધુ વાંચો: કાશ્મીર ખીણમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, વરસાદની આગાહી

પોલીસે તપાસ નવજાત શિશુને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી ચાઈલ્ડ હેલ્થ ઓફિસરને સોંપ્યું હતું. આ ઉપરાંત રોકડ રૂ. 10,050, ચાર મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલી કાર જપ્ત કરી હતી. તેમજ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. હાલમાં પોલીસ આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ‘મુન્નુ’ અને ‘નાગરાજ’ નામના વચેટિયાઓની શોધખોળ કરી રહી છે. આ ઓપરેશનથી બાળક તસ્કરીના આંતરરાજ્ય નેટવર્ક પર મોટો પ્રહાર થયો છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ છે.

વધુ વાંચો: અમદાવાદ-મહેસાણા 51 કિમીનો હાઇવે 8 લેનનો બનશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code