ગાંધીનગરઃ અમદાવાદના મકરબા રોડ પર રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એક ખુલ્લી ગટરમાં એક વૃદ્ધ અચાનક પડી જતા દોડધામ મચી ગઈ હતી, પરંતુ એક સતર્ક યુવાને તાત્કાલિક ગટરમાં ઉતરી તેમનો જીવ બચાવી લીધો હતો. જો કે, ખુલ્લી ગટર મામલે સ્થાનિકોમાં એએમસી તંત્રની સામે નારાજગી ફેલાઈ છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ઘટનાસ્થળે સ્ટ્રીટ લાઈટો લાંબા સમયથી બંધ હોવાથી અંધકાર છવાયેલો હતો. વૃદ્ધ વ્યક્તિને અંધારામાં ખુલ્લી ગટર દેખાઈ ન આવતા તેઓ સીધા તેમાં ખાબક્યા હતા. સ્થાનિકોના મતે અનેક રજૂઆતો છતાં આ ગટર પર ઢાંકણું મૂકવામાં આવ્યું ન હતું. આ ઘટના સમયે નજીકમાં હાજર એક યુવાને હોબાળો સંભાળતા જ તીવ્ર સમયસૂચકતા દાખવી ગટરમાં ઉતરી ગયો હતો અને અન્ય લોકોની મદદથી વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ બનાવમાં વૃદ્ધને સામાન્ય ઈજા થઈ હતી.
તેમણે આક્ષેપ કર્યો કે ખુલ્લી ગટરો અને સ્ટ્રીટ લાઈટોની અછત માર્ગચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ ઘટના બાદ રહેવાસીઓએ કામચલાઉ ધોરણે ગટર ઢાંકી દીધી હતી, જેથી ફરી આવી ઘટના ન બને. હવે રહીશો પાલિકામાં લેખિત ફરિયાદ કરી તાત્કાલિક લાઈટો શરૂ કરવાની અને ગટરોનું સમારકામ કરવાની માંગ કરશે.

