અમદાવાદ: નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી
અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે જર્મન ચાન્સેલરે આજે (12 જાન્યુઆરી) ગુજરાતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું, જે બાદ બંને નેતાઓએ સાંસ્કૃતિક અને રાજદ્વારી કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.
- સાબરમતી આશ્રમમાં ગાંધીજીને શ્રદ્ધાંજલિ
મુલાકાતના પ્રારંભે પીએમ મોદી અને ચાન્સેલર મેર્ઝ ઐતિહાસિક સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. બંને નેતાઓ દ્વારા મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.તેમણે ગાંધીજીના નિવાસસ્થાન ‘હૃદયકુંજ’ની મુલાકાત લીધી હતી અને આશ્રમની ગરિમા વિશે જાણકારી મેળવી હતી. પીએમ મોદીએ આ પ્રસંગે ચાન્સેલરને આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશે પણ વિગતો આપી હતી.
ગાંધી આશ્રમ બાદ બંને મહાનુભાવો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. રંગબેરંગી પતંગોથી ભરાયેલા આકાશ અને ગુજરાતની આ આગવી પરંપરા જોઈને જર્મન ચાન્સેલર અભિભૂત થયા હતા.
મહાત્મા મંદિરમાં દ્વિપક્ષીય બેઠક બપોરે 12 વાગ્યાથી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બંને દેશો વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થશે. આ બેઠકમાં સંરક્ષણ (ખાસ કરીને સબમરીન સોદા), ટેકનોલોજી અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોમાં મહત્વના કરાર થવાની શક્યતા છે. ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થયા હોવાથી આગામી દાયકા માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.


