Site icon Revoi.in

અમદાવાદ રેલવે ડિવિઝને 10 મહિનામાં પ્રવાસીઓ પાસેથી 25.72 કરોડનો દંડ વસૂલ્યો

Social Share

અમદાવાદ, 5 ફેબ્રુઆરી 2026:  પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા છેલ્લા 10 મહિનામાં ટિકિટ વગર મુસાફરી કરતાં, ગંદકી ફેલાવતા તથા રેલવે સ્ટેશન- ટ્રેનમાં થૂંકતા પ્રવાસીઓ સામે કાર્યવાહી કરી કુલ 25.72 કરોડનો દંડ વસૂલ્યો હતો. જે ગત વર્ષની સરખામણીએ 54 ટકા વઘુ છે. એટલું જ નહીં જાન્યુઆરીમાં તો દર કલાકે તંત્રએ આવા 43 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. ટિકિટનું સઘન ચેકિંગ, દંડ તથા કડક નિયમ- કાનૂન અમલમાં હોવા છતાં રેલવે મુસાફરીના નિયમો ભંગ કરતાં પ્રવાસીઓનો આંકડો ઘટવાને બદલે વધી રહ્યો હોય છે.

અમદાવાદ રેલવે ડિવિઝનના સૂત્રોના જણાવ્યા મુજબ  પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળે એપ્રિલ 2025થી જાન્યુઆરી 2026 સુધીમાં વિશેષ ટિકિટ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. જેના અંતર્ગત ટિકિટ વગર મુસાફરી કરતાં, ગંદકી ફેલાવતાં તથા થૂંકતા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી કુલ રૂપિયા 25.72 કરોડ દંડ વસૂલવામાં આવ્યો હતો. અમદાવાદ મંડળને દરરોજ 8.57 લાખ રૂપિયાની દંડની આવક થઈ હતી. જ્યારે ગત જાન્યુઆરીના એક જ મહિનામાં આવા 32,330 લોકો પાસેથી 2.48 કરોડ દંડ વસૂલ કરાયો હતો. જેથી કહીં શકાય કે અમદાવાદ મંડળમાં દર કલાકે 43 વ્યક્તિ ટિકિટ વગર મુસાફરી કરતા, ગંદકી કરતાં તેમજ થૂંકતાં ઝડપાઈ છે.  તાજેતરમાં અમરાપુર અરાવલી એક્સપ્રેસ, સાબરમતી- પાટણ મેમુ, સાબરમતી- મહેસાણા મેમુ, આગરા કેન્ટ સાબરમતી એક્સપ્રેસ સહિતની ટ્રેનમાં સઘન તપાસ કરાઈ હતી. જોકે તેમાં રેલવે કર્મીઓ દ્વારા આવા 144 લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ હતી.

Exit mobile version