
અમદાવાદઃ અંગદાન મહાદાન અંગે પ્રકાશિત બુક “અર્પણ એ જ સાચું તર્પણ”નું વિમોચન
અમદાવાદઃ ગુજરાતમાં અંગદાન માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેથી અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અંગદાન કરવા મોટી સંખ્યામાં લોકો આગળ આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદના સિવિલ હોસ્પિટલ સંકુલમાં અંગદાન મહાદાન બાબતે પ્રકાશિત “અર્પણ એ જ સાચું તર્પણ” નામના બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
ડોક્ટર જીવરાજ મહેતા અસ્મિતા ભવન સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાન મહાદાન બાબતે પ્રકાશિત “અર્પણ એ જ સાચું તર્પણ” બુકનું વિમોચન ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે સામાજિક અગ્રણી અને અંગદાન મહાદાન અભિયાનના પ્રણેતા દિલીપ દાદા દેશમુખ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડોક્ટર જયંતીભાઈ ભાડેશીયા, આરોગ્યમંત્રી ઋષિકેશ ભાઈ પટેલ, પૂર્વ આરોગ્યમંત્રી શંકરભાઈ ચૌધરી, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો રાકેશ જોષી, ડાયરેકટર ડો વિનીત મિશ્રા, લીવર ટ્રાન્સપ્લાન્ટ યુનિવર્સિટીના કુલપતિ ડો પ્રાંજલ મોદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
6000 કિલોમીટર જેટલો પ્રવાસ કરીને અંગદાનના 52 જેટલા પરિવારોના સભ્યો સાથે ચર્ચા કરીને આ બુક નું લેખન કાર્ય ડોક્ટર ચિંતન ચૌધરીએ કર્યું છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં અંગદાન મહા અભિયાનના કારણે સૌથી વધુ અંગોનું દાન અને પ્રત્યારોપણ થયેલ છે. દિલીપ દાદા દેશમુખજી અંગદાન મહાદાનના જાગૃતિ માટે સમગ્ર રાજ્યમાં અંગદાન રથ લઈને નીકળ્યા હતા અને હવે જેમણે અંગદાન કર્યું છે તેમના સ્વજનોના મૌનની ભાષાને સમજીને શબ્દોને કાગળ પર રૂપ આપીને પુસ્તક લખવામાં આવી છે જેના કારણે અંગદાન મહાદાન અભિયાનને ગતિ મળશે અને જનજાગૃતિ ફેલાશે.