
અમદાવાદઃ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) વિશ્વની અગ્રગણ્ય યુનિવર્સિટીમાં સ્થાન ધરાવે છે. કોરોનાકાળમાં પણ ટેક્નિકલ , મેનેજમેન્ટ અને ફાર્મસી જેવી વિવિધ શાખામાં સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ જીટીયુમાં પ્રવેશ મેળવ્યો છે. જીટીયુમાંથી ડિગ્રી મેળવેલા હજારો વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને નોકરી કરવા માટે પણ જતાં હોય છે.
ગુજરાત છેલ્લા 1 દશકથી વિવિધ મલ્ટી નેશનલ કંપની માટે હબ પ્રસ્થાપીત થયું છે, ત્યારે વિદ્યાર્થીઓ જે-તે દેશની માતૃભાષાને જાણી શકે, તે અર્થે, તાજેતરમાં રોમાનીયાના એટીઆઈ સ્ટુડિયોઝ સંચાલિત મોન્ડલી લેંગ્વેજ લર્નીગ એપ્લિકેશનનો “ફોરેન લેંગ્વેજ લર્નીગ પ્રોગ્રામ” જીટીયુ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રકારનો પ્રોગ્રામ શરૂ કરનાર જીટીયુ એશિયાની સૌપ્રથમ યુનિવર્સિટી છે.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠના વરદ હસ્તે આ પ્રોગ્રામનો શુભારંભ કરાયો હતો. ડિજીટલ માધ્યમ થકી રોમાનીયાથી જોડાયેલા મોન્ડલી લેંગ્વેજ લર્નિંગ એપના ગ્લોબલ ડિરેક્ટર ક્રિશ નીકોફરેજણાવ્યું હતું કે, ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ જીટીયુમાં પ્રવેશ મેળવે છે. ઉપરાંત જીટીયુના વિદ્યાર્થીઓ પણ વિદેશની કંપનીમાં નોકરી મેળવતાં હોવાથી આ પ્રોગ્રામ ખૂબ જ મદદરૂપ થશે.
મોન્ડલી રોમાનિયાના એટીઆઈ સ્ટુડિયો દ્વારા બનાવવામાં આવેલી લેગ્વેંજ લર્નીંગ એપ્લિકેશન છે. જેમાં જુદાં- જુદાં દેશની 41થી પણ વધુ રાષ્ટ્રભાષાનો સમાવેશ કરવામાં આવેલ છે. જેનો મૂળહેતુ વૈશ્વિક સ્તરે જુદી-જુદી સંસ્કૃત્તિમાં બોલાતી ભાષાઓને દરેક વિદ્યાર્થી શીખી શકે અને તેના કાર્યસ્થળ પર પણ તેનો સવિશેષ ઉપયોગ કરે. જીટીયુમાં અભ્યાસ અર્થે આવતાં વિદેશી વિદ્યાર્થીઓને ભારતની રાષ્ટ્રભાષા હિન્દી શીખવામાં પણ સરળતાં રહશે.