
અમદાવાદઃ રેસ્ટરન્ટમાં કામ કરતા બે બાળકોને મુક્ત કરાવાયાં, મહિલા સંચાલક સામે ગુનો નોંધાયો
અમદાવાદઃ નાના બાળકો પાસે મજુરી કરાવવી ગુનો બને છે તેમ છતા કેટલાક લોકો ઓછી રકમમાં બાળકો પાસે પોતાની રેસ્ટોરન્ટ, દુકાનોમાં કામ કરાવે છે. જેથી આવા બાળકોને મુક્ત કરાવવા માટે પોલીસ તથા વિવિધ સંસ્થાઓ કામગીરી કરી રહી છે. દરમિયાન સરખેજ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટ ઉપર શ્રમ અધિકારીઓએ દરોડા પાડ્યાં હતા. દરોડા દરમિયાન બે બાળકોને મુક્ત કરાવ્યાં હતા. બીજી તરફ શ્રમ અધિકારીઓએ રેસ્ટોરન્ટના માલિક સામે ગુનો નોંધાવ્યો હતો. જેથી પોલીસે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસા4ર મકરબા ખાતે આવેલી એક રેસ્ટોરન્ટમાં ચાઈલ્ડ લેબર અંગેની ફરિયાદ મળતા શ્રમ અધિકારીઓએ રાત્રે રેડ કરી હતી. તપાસમાં 14 વર્ષથી ઓછી ઉમંરના બે બાળકો અધિકારીઓને મળી આવતા ગુનાઈત કૃત્ય અંગે રેસ્ટોરન્ટની મહિલા માલિક સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. ખાનપુર શ્રમ ભવનમાં આવેલી નાયબ શ્રમ આયુકતની કચેરી ખાતે સરકારી શ્રમ અધિકારી તરીકે ફરજ બજાવતાં ધાર્મીકભાઈ મુકેશભાઈ રાવલ (ઉં,૩૧)એ મકરબા ખાતે રેસ્ટોરન્ટ ધરાવતાં અને કાલુપુર ખાતે આશીયાના ગલીમાં રહેતાં નાજનીન મો.શફી બાસ્તાવાલા વિરૂદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે બાળ મજૂર પ્રતિબંધ અને નિયમ અધિનિયમની કલમ મુજબ નાજનીન બાસ્તાવાલા સામે ગુનો દાખલ કર્યો હતો. શ્રમ અધિકારીઓએ રેસ્ટોરન્ટમાં મજૂરી કામ કરતા મળી આવેલા 14 વર્ષથી ઓછી ઉમંરના બંને બાળકોને સરસપુર ખાતેના પ્રયાસ ફાઉન્ડેશનમાં મોકલી આપ્યા છે. આ બંને બાળકોના માતા-પિતા અને વાલીને હાજર કરવા માટે રેસ્ટોરન્ટ માલિકને સૂચના આપવામાં આવી છે.