
અમદાવાદનું CA ફાઉન્ડેશનનું પરિણામ 37.90 ટકા, 3575 વિદ્યાર્થીઓમાંથી 1393 ઉતીર્ણ
અમદાવાદ: કોમર્સ ફેકલ્ટીના દરેક વિદ્યાર્થીઓનું સીએ બનવાનું સ્વપ્નુ હોય છે. અને કોલેજના પ્રથમ વર્ષની સાથે જ વિદ્યાર્થીઓ સીએની તૈયારીમાં લાગી જતાં હોય છે. આજે સીએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર થયું હતું. ડિસેમ્બર 2022માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશનું 29.25 ટકા પરિણામ જાહેર થયું છે, જ્યારે અમદાવાદનું પરિણામ 37.90 ટકા આવ્યું છે.
સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં દેશભરમાંથી કુલ 36,864 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં 20,195 વિદ્યાર્થી અને 16,669 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાંથી કુલ 3675 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1393 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરમાંથી 1,26,015 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 68,294 જેટલા વિદ્યાર્થીઓ અને 57,721 વિદ્યાર્થિનીનો સમાવેશ થતો હતો. દેશભરમાં 541 સેન્ટર પર સીએ ફાઉન્ડેશન પરીક્ષા લેવાઈ હતી. આ સંદર્ભે ICAI -અમદાવાદ ચેપ્ટરનાં પ્રેસિડેન્ટ બિશન શાહે જણાવ્યું હતું કે, જૂન 2022 માં દેશભરમાં લેવાયેલી સીએ ફાઉન્ડેશનનું 25.28 ટકા જેટલું પરિણામ આવ્યું હતું, જે આ વખતે વધીને 29.25 ટકા થયું છે. અમદાવાદ ચેપ્ટરમાં જૂન 2022માં સીએ ફાઉન્ડેશનનું પરિણામ 29.83 ટકા આવ્યું હતું, જે વધીને 37.90 ટકા પર પહોંચ્યું છે. સીએ ફાઉન્ડેશનનું સતત પરિણામ વધી રહ્યું છે, જે સારા સંકેત છે. સીએ ફાઉન્ડેશનમાં પાસ થયા બાદ તમામ વિદ્યાર્થીઓ હવે ઇન્ટરમીડિએટમાં અભ્યાસ કરશે, જે આગળ જતાં સીએ બનશે. ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોમર્સના વિદ્યાર્થીઓમાં સીએ બનવાનું એક સ્વપ્નુ હોય છે. એટલે વિદ્યાર્થીઓ રાત-દિવસ મહેનત કરતા હોય છે. શહેરમાં સીએના અનેક કોચિંગક્લાસ પણ ચાલી રહ્યા છે.