Site icon Revoi.in

અમદાવાદના જયશંકર સુંદરી હોલનું મ્યુનિ.દ્વારા 5 કરોડના ખર્ચે રિનોવેશન કરાશે

Social Share

અમદાવાદઃ શહેરના લોકો સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ માણી શકે તે માટે જયશંકર સુંદરી હોલનું વર્ષો પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ જયશંકર સુંદરી હોલ જર્જરિત અવસ્થામાં છે. ત્યારે છેલ્લા ઘણા વખતથી જયશંકર સંદરી હોલને મરામત કરવાની માગ ઊઠી હતી. આખરે રાજ્ય સરકારે જયશંકર સુંદરી હોલ 30 વર્ષ માટે મ્યુનિ.કોર્પોરેશનને સોંપી દીધો છે. હવે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 5 કરોડના ખર્ચે જયશંકર સુંદરી હોલનું રિનોવેશન કરાશે.

અમદાવાદ શહેરના રાયખડ વિસ્તારમાં આવેલા રાજ્ય સરકાર હસ્તકના જયશંકર સુંદરી હોલને હવે મ્યુનિસિપલ કોર્પોરેશનને 30 વર્ષ માટે સોપવા અંગેનો નિર્ણય કરાયો છે. છેલ્લા 5થી વધુ વર્ષથી જયશંકર સુંદરી હોલ બંધ હાલતમાં છે, જેથી હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીનોવેશન કરીને ફરીથી શરૂ કરવામાં આવશે. આ હોલ શરૂ થવાના કારણે ફરી એકવાર શહેરના કોટ વિસ્તારમાં નાટ્યાત્મક સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમો માણી શકશે.

એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વર્ષોથી બંધ પડેલા જયશંકર સુંદરી હોલ હવે મ્યુનિ. કોર્પોરેશનને સોંપવાનો અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. રૂ. 5 કરોડના ખર્ચે આ હોલનું રીનોવેશન કરવામાં આવશે. રાજ્ય સરકાર એક કરોડની રકમ ફાળવશે. પહેલા જે રીતે અહી નાટ્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ, સહિતના નવીન મનોરંજન કાર્યક્રમોનું આયોજન ચાલતું હતું એવા કાર્યક્રમ ફરીથી અહી ચાલુ કરવામાં આવશે. હવે આગામી દિવસોમાં જયશંકર સુંદરી હોવાનું રિનોવેશન ચાલુ કરવામાં આવશે. ખાસ કરીને આ હોલમાં જર્જરીત થઇ ગયેલા સ્ટ્રક્ચરને ફરીથી રીસ્ટોર કરવામાં આ‌વશે. આ હોલ 1687 ચો.મી. જગ્યામાં બનેલો છે. 810 બેઠકની ક્ષમતા ધરાવે છે આ બેઠકો પણ બદલીને નવીન બનાવવામાં આવશે.