વાયુસેનાની ચોકસાઈ અને ઝડપે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ: રાજનાથ સિંહ
નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય વાયુસેનાએ પ્રદર્શિત કરેલા અપ્રતિમ સાહસ, ગતિ અને ચોકસાઈની મુક્તકંઠે પ્રશંસા કરી છે. ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત ‘વાયુસેના કમાન્ડર્સ કોન્ફરન્સ’ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ ઓપરેશન બાદ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી બિનજવાબદાર પ્રતિક્રિયાને વાયુસેનાએ અત્યંત અસરકારક રીતે નિયંત્રિત કરી છે.
રાજન્નાથ સિંહે ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતા પર ભાર મૂકતા કહ્યું કે, “સામાન્ય રીતે જ્યારે દુશ્મન હુમલો કરે ત્યારે લોકો ભયભીત થઈ જતા હોય છે, પરંતુ જ્યારે પાકિસ્તાને ભારતીય પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતની જનતા શાંત રહી અને પોતાના દૈનિક કાર્યોમાં વ્યસ્ત રહી. આ આપણી એર ડિફેન્સ ક્ષમતામાં જનતાના અતુટ વિશ્વાસનું પ્રમાણ છે.”
રક્ષામંત્રીએ રશિયા-યુક્રેન સંઘર્ષ, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ, બાલાકોટ એર સ્ટ્રાઈક અને ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, હવાઈ શક્તિ હવે માત્ર લશ્કરી સાધન નથી, પરંતુ એક વ્યૂહાત્મક ઉપકરણ છે. તેની ઝડપ અને સચોટતા વિરોધીને સ્પષ્ટ સંદેશ આપે છે કે રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે ભારત કોઈપણ પગલું ભરવા તૈયાર છે.
તેમણે કમાન્ડરોને ભવિષ્યના પડકારો માટે તૈયાર રહેવા આહ્વાન કરતા કહ્યું કે, યુદ્ધનું ભવિષ્ય હવે AI અને ડેટા આધારિત નિર્ણય પ્રણાલી પર નિર્ભર છે. સાયબર યુદ્ધ, માનવરહિત ડ્રોન (UAV) અને સેટેલાઇટ સર્વેલન્સ હવે આધુનિક સંઘર્ષમાં મૂળભૂત જરૂરિયાત બની ગયા છે. રક્ષામંત્રીએ આશા વ્યક્ત કરી કે વડાપ્રધાન મોદીએ જાહેર કરેલ ‘સુદર્શન ચક્ર’ સિસ્ટમ રાષ્ટ્રીય સંપત્તિની સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે. સાથે જ સ્વદેશી જેટ એન્જિનનું નિર્માણ હવે રાષ્ટ્રીય મિશન બની ચૂક્યું છે.
‘ઓપરેશન સિંદૂર’ને ત્રણેય સેનાઓના (આર્મી, નેવી અને એરફોર્સ) ઉત્કૃષ્ટ સમન્વયનું ઉદાહરણ ગણાવતા તેમણે કહ્યું કે, સંયુક્તતા જ સુરક્ષા તંત્રને મજબૂત બનાવશે. આ પરિષદમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ અને વાયુસેનાના વરિષ્ઠ કમાન્ડરો ઉપસ્થિત રહ્યા હતા.


