પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફએ કાબુલ પ્રત્યે કડક વલણ દાખવતા જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં રહેલા તમામ અફઘાન નાગરિકોને હવે પોતાના દેશમાં પરત જવું પડશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, અફઘાનિસ્તાન સાથેના અગાઉના “જૂના સંબંધો” હવે જાળવી રાખવામાં નહીં આવે. આ નિવેદન બાદ બંને દેશો વચ્ચેનો તણાવ વધુ વધી ગયો છે.
ખ્વાજા આસિફે જણાવ્યું કે, “અફઘાનિસ્તાનની હવે પોતાની સરકાર અને વ્યવસ્થા છે, તેથી પાકિસ્તાનની જમીન અને સંસાધનો 25 કરોડ પાકિસ્તાની નાગરિકોના હિત માટે છે.” તેમણે આરોપ લગાવ્યો કે વિદેશી શરણાર્થીઓને કારણે સ્થાનિક સુરક્ષા અને સંસાધનો પર ભારે દબાણ આવી રહ્યું છે. આસિફે ઉમેર્યું કે, પાકિસ્તાન લાંબા સમયથી સહનશીલ રહ્યું છે, પરંતુ અફઘાન તરફથી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી.
હાલમાં બંને દેશો વચ્ચે 48 કલાકના યુદ્ધવિરામ પર સહમતિ થઈ હતી, જેને કૂટનીતિક ચર્ચાઓ માટે વધારવાની વાત ચાલી રહી હતી. પરંતુ અહેવાલો અનુસાર, યુદ્ધવિરામ બાદ પાકિસ્તાને પક્તિકા અને આસપાસના વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા, જેના કારણે તાલિબાને યુદ્ધવિરામ તૂટ્યો હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાઓથી બંને દેશો વચ્ચેના શાંતિ પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે.
આસિફે દાવો કર્યો કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનને આતંકવાદી પ્રવૃત્તિઓ અંગે અનેક નોટિસ આપી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી 836 વિરોધપત્રો અને 13 ડેમાર્શ (démarches) મોકલવામાં આવ્યા છે. આસિફે ચેતવણી આપી કે, હવે માત્ર કૂટનીતિક પત્રવ્યવહાર પર વિશ્વાસ નહીં રાખી શકાય, “જ્યાંથી પણ આતંકવાદી પ્રવૃત્તિઓ થશે, તેમને ભારે કિંમત ચૂકવવી પડશે.”
આસિફે કાબુલની તાલિબાન સરકાર પર આક્ષેપ કર્યો કે, તે ભારતના હિતમાં કામ કરી રહી છે અને ભારત તથા પ્રતિબંધિત સંગઠન ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)’ વચ્ચેની મળીભૂતથી પાકિસ્તાન વિરુદ્ધ સડયંત્ર થઈ રહ્યું છે. ભારતે આ તમામ આક્ષેપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. આસિફે જણાવ્યું કે 2021માં તાલિબાનના સત્તામાં આવ્યા બાદથી પાકિસ્તાનને માનવીય અને સુરક્ષા ક્ષેત્રમાં મોટું નુકસાન સહન કરવું પડ્યું છે.
તેમણે દાવો કર્યો કે આ અવધિ દરમિયાન 10,347 આતંકવાદી હુમલા અને 3,844 લોકોના મોત નોંધાયા છે. આસિફે ચેતવણી આપી કે જો અફઘાન ક્ષેત્રમાંથી હુમલો થશે તો પાકિસ્તાન કઠોર અને નિર્ણાયક જવાબ આપવા તૈયાર છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો મુજબ, કતારમાં બંને દેશો વચ્ચે સંવાદ અને મધ્યસ્થતા માટે પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી સરહદ પરની હિંસા નિયંત્રિત થઈ શકે અને કૂટનીતિક માર્ગ શોધી શકાય. પરંતુ સતત હવાઈ હુમલા અને આરોપ-પ્રત્યારોપની રાજનીતિને કારણે પ્રદેશમાં ફરી હિંસાની સંભાવના વધી રહી છે.