નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર 2026: ભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ ગહન સુધારણા (SIR) પ્રક્રિયાને લઈને આંતરિક વિવાદ ચાલતો હોવાની અટકળો વચ્ચે દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. ચૂંટણી પંચના નિર્ણયો પર બે ચૂંટણી કમિશનરોએ જ ગંભીર સવાલો ઊભા કર્યા હોવાની અટકળો વહેતી થઈ છે. જેના પગલે ચૂંટણી પંચે સત્તાવાર સ્પષ્ટતા આપતાં જણાવ્યું છે કે પંચમાં તમામ નિર્ણયો સર્વસંમતિથી અને બંને ચૂંટણી કમિશનરો તથા મુખ્ય ચૂંટણી કમિશનરની મંજૂરીથી જ લેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જૂન ૨૦૨૫માં બિહારથી શરૂ કરાયેલી SIR પ્રક્રિયા અંતર્ગત દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ વોટર લિસ્ટમાંથી 13 કરોડથી વધુ મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં નામો રદ થતાં મત આપવાના અધિકારને લઈને ચૂંટણી પંચની ભૂમિકા સામે જાહેર બહેસ શરૂ થઈ ગઈ છે.
વહેતી થયેલી અટકળો અનુસાર, ચૂંટણી પંચના ત્રણ સભ્યોમાંથી બે કમિશનરો – સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશી – એ છેલ્લા 10 મહિનામાં ઓછામાં ઓછી 14 વખત પંચના નિર્ણયો અને કામગીરી સામે સત્તાવાર રીતે વાંધો નોંધાવ્યો હતો. આ બંને કમિશનરોનો આરોપ હતો કે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો અને આદેશો તેમની જાણ બહાર, તેમને અંધારામાં રાખીને જાહેર કરવામાં આવ્યા હતા. એક જ દિવસમાં ચાર વખત વિરોધ નોંધાવવામાં આવ્યો હોય તેવા કિસ્સા પણ સામે આવ્યા છે. કમિશનરોએ જણાવ્યું કે વોટર રજીસ્ટ્રેશન ફોર્મ (Form 6) માં કરવામાં આવેલા ફેરફારો સક્ષમ ઓથોરિટી (સરકાર) ની મંજૂરી વગર પોર્ટલ પર લાગુ કરવામાં આવ્યા હતા, જે ગેરકાયદેસર છે. નવા સેન્ટ્રલાઈઝીડ આઈટી સિસ્ટમ ‘ECINet’ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે દિલ્હી સ્થિત મહાનિદેશક દ્વારા વોટર લિસ્ટનું નિયંત્રણ પોતાના હાથમાં લેવું એ ગ્રાઉન્ડ લેવલના અધિકારીઓના અધિકારોનું હનન છે. ગોવામાં 97 સ્વીકૃત મતદારો ફાઇનલ લિસ્ટમાંથી ગાયબ મળ્યા હતા અને પશ્ચિમ બંગાળમાં એક જ અધિકારીના લોગિનથી ૧૬ લાખ અપીલો દાખલ કરવામાં આવી હોવાની ગંભીર બાબતો સામે આવી હતી. રિપોર્ટ મુજબ મે થી ઓગસ્ટ વચ્ચેના ચાર મહિનાના ગાળામાં સમગ્ર ચૂંટણી પંચની એક પણ ઔપચારિક બેઠક યોજાઈ નહોતી. સોફ્ટવેરની વિશ્વસનીયતા અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સામે સવાલો ઊભા થતાં બંને કમિશનરોએ દેશના કેબિનેટ સચિવને લેખિતમાં ફરિયાદ પણ કરી હતી.
-
કોંગ્રેસ નેતા મનીષ તિવારીના આકરા પ્રહાર
આ અહેવાલ સામે આવ્યા બાદ વિપક્ષે ચૂંટણી પંચને આડેહાથ લીધું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ સોશિયલ મીડિયા પર રિપોર્ટ શેર કરતા લખ્યું કે, “જો અહેવાલમાં દર્શાવેલી બાબતો સાચી હોય તો એવું લાગે છે કે ચૂંટણી પંચને કોઈ ‘અદ્રશ્ય તાકાત’ ચલાવી રહી છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે જો નિયમોનું પાલન કર્યા વિના અને સર્વસંમતિ વગર નિર્ણયો લેવાયા હોય તો પંચના નિર્ણયો મનસ્વી માનવામાં આવશે. આ બાબતે મહાભિયોગની કાર્યવાહી પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ જેથી ચૂંટણી પંચની ખોવાયેલી વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરી શકાય.


