Homeગુજરાતીદેશ-વિદેશઉધમપુરમાં માર્યો ગયેલો આતંકી આદિલ પાકિસ્તાની નાગરિક નીકળ્યો, પાકિસ્તાનના જુઠ્ઠા દાવાનો પર્દાફાશ

ઉધમપુરમાં માર્યો ગયેલો આતંકી આદિલ પાકિસ્તાની નાગરિક નીકળ્યો, પાકિસ્તાનના જુઠ્ઠા દાવાનો પર્દાફાશ

જમ્મુ, 23 સપ્ટેમ્બર 2026: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં 17 સપ્ટેમ્બરના રોજ ભારતીય સેના અને કાશ્મીર પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા જૈશ-એ-મોહમ્મદના બે પાકિસ્તાની આતંકવાદીઓ અંગે વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પહેલા આતંકીની ઓળખ ‘આદિલ ઉર્ફે મુસ્તફા’ અને બીજાની ‘સદ્દામ’ તરીકે થઈ હતી. હવે સરહદ પારથી મળતી ચોક્કસ માહિતી અનુસાર, માર્યા ગયેલા આતંકી આદિલનું પૂરૂં નામ આદિલ ખાન સુદોઝઈ હતું. તે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરના રાવલાકોટના પોથી મકવાલાં ગામનો મૂળ નિવાસી હોવાનું સામે આવ્યું છે.

ભારતમાં આતંકવાદી ઘટનાઓ બાદ પાકિસ્તાન હંમેશાં આતંકીઓ પોતાના નાગરિક હોવાનો ઇનકાર કરતું આવ્યું છે અને તેઓ જમ્મુ-કાશ્મીરના સ્થાનિક હોવાનો જૂઠ્ઠો દાવો કરે છે. પરંતુ આ વખતે પણ આતંકી આદિલના મોત બાદ તેના ગામના પડોશીઓ અને શાળાના સહપાઠીઓએ ફેસબુક પર તેની વિગતો શેર કરીને પાકિસ્તાનના આ દાવાનો પર્દાફાશ કરી દીધો છે. પોસ્ટ મુજબ, આદિલ PoK માં અવામી એક્શન કમિટીના નેતા સરદાર ઉમર નઝીરનો પડોશી હતો. આ ઘટનાથી પાકિસ્તાનનો જૂઠ્ઠો ચહેરો ફરી એકવાર વૈશ્વિક સ્તરે ખુલ્લો પડી ગયો છે.

અગાઉ ‘ઓપરેશન મહાદેવ’ દરમિયાન માર્યો ગયેલો લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી હબીબ તાહિર ઉર્ફે હબીબ નઝીર પણ રાવલાકોટનો જ વતની હતો અને તે પણ આદિલની જેમ જ ‘સુદોઝઈ’ કબીલા સાથે સંબંધ ધરાવતો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, ઉધમપુર એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આદિલ ખાને 10મા ધોરણ સુધીનો અભ્યાસ રાવલાકોટની ‘ઉમર બોયઝ હાઇસ્કૂલ’માંથી કર્યો હતો. ત્યારબાદ તે જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર અબુ મોહમ્મદ ઉર્ફે મસૂદ ઇલયાસ કાશ્મીરી અને અબ્દુલ્લા સજ્જાદના સંપર્કમાં આવ્યો હતો.

  • રાવલાકોટમાં ટ્રેનિંગ લીધા બાદ 2024માં ભારતમાં ઘૂસણખોરી કરી હતી

આતંકી આદિલે રાવલાકોટમાં આતંકવાદી તાલીમ મેળવી હતી અને વર્ષ 2024માં જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરી હતી. છેલ્લા બે વર્ષથી તે જમ્મુ-કાશ્મીરના પહાડી વિસ્તારોમાં છૂપાતો ફરતો હતો. આખરે 17 સપ્ટેમ્બર 2026ના રોજ ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આતંકી આદિલ ખાન સુદોઝઈ અને તેના સાથી આતંકી સદ્દામને ઠાર કર્યા હતા.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular