Site icon Revoi.in

સુરત શહેરના તમામ ફાયર સ્ટેશનોને સ્માર્ટ કન્ટ્રોલરૂમ સાથે જોડી દેવાશે

Social Share

સુરતઃ શહેરમાં વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. ત્યારે આગ કે કોઈ આકસ્મિત ઘટના સમયે મદદ માટે ત્વરિત પહોંચી શકાય તે માટે મ્યુનિ.કોર્પોરેશનના ફાયર સ્ટેશનનોની સંખ્યા વધારવામાં આવી રહી છે. તાજેતરમાં નવા ફાયર સ્ટેશનો રાંદેરના પીપલોદ અને આસરમામાં કાર્યરત થતા શહેરમાં ફાયર સ્ટેશનોની કુલ સંખ્યા 27 એ પહોંચશે.  નવા સ્ટેશનોમાં આધુનિક ફાયર ટેન્ડર, મીની રેસ્ક્યુ વાન, હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને કટોકટી તબીબી સહાય હશે. તેમજ શહેરના તમામ ફાયર સ્ટેશનો સ્માર્ટ કંટ્રોલ રૂમ સાથે જોડી દેવાશે.  જેથી કોઈપણ વિસ્તારમાં આગ કે અકસ્માતની જાણ થતાં નજીકની ટીમ તાત્કાલિક મોકલી શકાશે.

એસએંમસીના સૂત્રોના કહેવા મુજબ શહેરના રાહુલરાજ મોલ નજીક એક ફાયર સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે. જે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. આ સ્ટેશન સિટીલાઇટ, પીપલોદ, વેસુ અને અઠવાલાઇન્સ જેવા બહુમાળી ઇમારતો ધરાવતા વ્યસ્ત વિસ્તારોને આવરી લેશે. સ્ટેશનની કામગીરી પ્રતિભાવ સમયમાં 10 થી 12 મિનિટનો ઘટાડો કરશે. રાંદેર ઝોનના આસરમા ખાતે બીજુ ફાયર સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે, જેનો લાભ ભાથા ગામ અને આસપાસના વિસ્તારોને મળશે.

આ ઉપરાંત શહેરના વરાછા ક્રાંતિ મેદાન અશ્વિની કુમાર ફાયર સ્ટેશન અને સ્કેન જહાંગીરપુરા ફાયર સ્ટેશનનું ઉદ્ઘાટન દિવાળી પહેલા જ કરવામાં આવ્યું હતું. આ બે વિસ્તારોમાં વસ્તીમાં ઝડપી વૃદ્ધિને કારણે, કટોકટીમાં ઝડપી બચાવ અને રાહત કામગીરી માટે સ્થાનિક ફાયર સ્ટેશનની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાઈ રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન આ સંખ્યાને 30 ફાયર સ્ટેશન સુધી વિસ્તૃત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેથી દરેક ઝોન અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ઝડપી બચાવ સેવાઓ સુનિશ્ચિત કરી શકાય.  શહેરના નવા વિકસિત વિસ્તારોમાં ભવિષ્યમાં ખાજોદ, પાલ, પીપલોદ અને કોસાડ ઔદ્યોગિક ઝોનમાં નવા સ્ટેશનો પ્રસ્તાવિત છે.

Exit mobile version