Site icon Revoi.in

ડિગ્રી ઈજનેરીમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની તમામ બેઠકો ભરાઈ ગઈ

Social Share

અમદાવાદ, 25 જુન, 2026 : All seats in government colleges in degree engineering filled રાજ્યમાં ધોરણ-12સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રથમ રાઉન્ડની બેઠકોની ફાળવણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગ પ્રત્યે ભારે ક્રેઝ જોવા મળ્યો છે, જેના કારણે પ્રથમ રાઉન્ડમાં જ રેકોર્ડબ્રેક અંદાજે 34 હજાર વિદ્યાર્થીઓને બેઠકોની ફાળવણી થઈ ચૂકી છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓની પહેલી પસંદ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની રહી છે. આ સંસ્થાઓની તમામ 10,969 બેઠકો પર પ્રથમ રાઉન્ડમાં જ 100% પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં રાજ્યની કુલ 141 એન્જિનિયરિંગ સંસ્થાઓની બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓની પહેલી પસંદ સરકારી સંસ્થાઓ રહી છે. આ સંસ્થાઓની તમામ 10,969 બેઠકો પર પ્રથમ રાઉન્ડમાં જ 100% પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. પ્રાઇવેટ કોલેજોની ઉપલબ્ધ 48,140 બેઠકોમાંથી માત્ર 20,817 બેઠકો પર જ પ્રવેશ ફાળવાયો છે, એટલે કે હજુ પણ મોટા પ્રમાણમાં બેઠકો ખાલી છે. રાજ્યની 45 એવી કોલેજો છે જેમાં તમામ બેઠકો પ્રથમ રાઉન્ડમાં જ ફુલ થઈ ગઈ છે.

એસીપીસીના સૂત્રોના કહેવા મુજબ આ વખતે પણ કમ્પ્યુટર સંબંધિત શાખાઓ માટે વિદ્યાર્થીઓમાં ભારે ખેંચતાણ જોવા મળી હતી. આ વર્ષે કુલ 45,503 વિદ્યાર્થીઓનું મેરિટ નક્કી થયું હતું, જેમાંથી 41,688 વિદ્યાર્થીઓએ ચોઈસ ફીલિંગમાં ભાગ લઈને 12.54 લાખથી વધુ ઓપ્શન ભર્યા હતા. તેમાંથી કુલ 33,993 વિદ્યાર્થીઓને સીટ ફાળવવામાં આવી છે જોકે, પૂરતી ચોઈસ ન ભરવાના કારણે 7687 વિદ્યાર્થીઓ વંચિત રહ્યા છે. જે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે તેમણે 30 જૂન સુધીમાં ઓનલાઈન ટોકન ટ્યુશન ફી ભરીને (અથવા જ્યાં શૂન્ય ફી હોય ત્યાં માત્ર કન્ફર્મેશન આપીને) પોતાનો પ્રવેશ નિશ્ચિત કરવો પડશે. પ્રવેશ કન્ફર્મ થયા બાદ વિદ્યાર્થીઓ ઓનલાઇન એડમિશન લેટર ડાઉનલોડ કરી શકશે. ઓનલાઇન રાઉન્ડ ચાલુ હોવાથી અત્યારે કોઈ પણ વિદ્યાર્થીએ કોલેજ ખાતે ઓરિજિનલ દસ્તાવેજો જમા કરાવવાના રહેશે નહીં.

Exit mobile version