
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા કોરોનાને હરાવવા માટે 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ સાથે દિવસ દરમિયાન ફક્ત મેડિકલ તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની દુકાનોને ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. જેના કારણે નાના- મોટા શહેરોમાં અન્ય વ્યવસાય કરતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. મોટાભાગના વેપારીઓ સરકારના આ મીની લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે. સરકારે નિયમોને આધિન રહીને દિવસ દરમિયાન ચાર કલાક દુકાનો ખોલવાની છૂટ આપવી જોઈએ. વેપારીઓ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને નિયમોનું પાલન કરીને વેપાર કરવાની છૂટ આપવાની માગ કરી રહ્યા છે.
રાજ્યમાં અમદાવાદ,વડોદરા, સુરત અને રાજકોટમાં નાના-મોટા વેપારી સંગઠનોએ વેપાર ધંધામાં આંશિક છૂટછાટ આપવાની માગણી કરી છે. ઘણા વેપારી સંગઠનોએ ગૃહરાજ્ય પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને રજુઆત કરતા તેમણે એવી પ્રતિક્રિયા આપી હતી કે, ટાસ્ક કમિટી જે શહેરોમાં કોરોનાના ઓછા કેસ હશે તેની સમિક્ષા કરીને નિર્ણય લેશે. મીની લોકડાઉનને લીધે નાના વેપારીઓની હાલત કફોડા બની છે. રાજકોટના વેપારીઓ દ્વારા શહેર જિલ્લા કલેકટરને રજૂઆત કરીને દુકાનો ખોલવાની મંજૂરી માંગી છે. વેપારીઓએ સરકારના મિની લોકડાઉનનો વિરોધ કર્યો છે.
વેપારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, કાં તો સંપૂર્ણ લોકડાઉન કરો અથવા તો વેપારીઓને દુકાનો ખોલવાની મંજૂરી માંગી છે. વેપારીઓ દ્વારા એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, મિની લોકડાઉનને કારણે 60 ટકા બજાર ખુલ્લુ છે જ્યારે 40 ટકા જ બજાર બંધ રહે છે. ત્યારે બંધ રહેતા વ્યવસાયને કારણે વેપારીઓને આર્થિક ફટકો પડી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે, મીની લોકડાઉનને કારણે ધંધા રોજગાર બંધ રહેતા બેંકના હપ્તા, કર્મચારીઓના પગાર સહિતની મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. જેના કારણે આર્થિક ફટકો પડતો હોવાનો વેપારીઓએ દાવો પણ કર્યો છે.